તારીખ ૩૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
સેવા પખવાડિયા અંતર્ગત ચાલી રહેલા સંકલ્પ અભિયાન હેઠળ ગોધરા વિધાનસભા વિસ્તારમાં આવેલ હિલ પાર્ક સોસાયટીની આંગણવાડી ખાતે ગોધરા નગર લઘુમતી મોરચા દ્વારા આંગણ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના નાના ભૂલકાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે આંગણવાડીના બાળકોને નોટબુક, સ્લેટ, પેન, રબર તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કિટ મળતા બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જ્યાં આ કાર્યક્રમમાં ગોધરા નગરના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગોધરા નગર પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન, મહિલા મોરચા પ્રમુખ ભક્તિબેન, લઘુમતી મોરચા પ્રમુખ સરફરાજભાઈ, મહામંત્રી મહેબૂબભાઈ, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી શહીદખાન પઠાણ, ઉપપ્રમુખ તારિક પઠાણ, ડૉ. સાહિલ મુની, રિઝવાન દાવ, મુન્નીબેન સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આયોજકોના જણાવ્યા અનુસાર, નાના ભૂલકાઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક નાનકડું, પરંતુ મહત્વપૂર્ણ પગલું છે. આવા કાર્યક્રમોથી બાળકોમાં ભણતર પ્રત્યે રુચિ વધશે.











