વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

શાકભાજી માર્કેટના સ્થળાંતરથી લઈ શિક્ષક ભરતી, સ્ટ્રીટલાઇટ, AI વર્ક અને નવી 13.5 લાખ લીટરની પાણીની ટાંકી સુધીના મહત્વના નિર્ણયો
નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર અશોકભાઈ ધોરાજીયાની અધ્યક્ષતામાં ટાઉન હોલ, કોન્ફરન્સ રૂમ, દેવીનાપાર્ક ખાતે યોજાઈ હતી. સાંજે ૪ વાગ્યે મળેલી બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને મહાનગરપાલિકાની વહીવટી કામગીરી સાથે જોડાયેલા વિવિધ એજન્ડા પર ચર્ચા-વિચારણા બાદ આઠ મહત્વપૂર્ણ વિકાસલક્ષી તથા વહીવટી કામોને નિયમોનુસાર બહાલી આપવામાં આવી હતી.
સભામાં ગૌરીશંકર મહોલ્લાની શાકભાજી માર્કેટને વૈકલ્પિક સ્થળે ખસેડવા અંગેના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી તેમજ શાળાઓમાં પ્રવેશ માટેના ટિકિટ દર નક્કી કરવા અંગે પણ નિર્ણય લેવાયો હતો. મહાનગરપાલિકાના 15 વર્ષ જૂના વાહનોને રદબાતલ કરી તેનો નિકાલ કરવા નવી કાર્યપદ્ધતિ અંગે પણ સભામાં બહાલી આપવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ મેઇન્ટેનન્સ વર્ક અને SITC વર્ક સહિતની કામગીરીને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ સિટી મેનેજમેન્ટ સિસ્ટમ તથા AI વર્કસંબંધિત કામગીરી માટે અમદાવાદ સ્થિત સીલ કન્સલ્ટન્ટને રોકવા અંગેના ઠરાવને પણ મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે મહાનગરપાલિકાની ટેકનોલોજી આધારિત કામગીરીને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ટાઉન હોલના ભાડાના દર નક્કી કરવા અંગે પણ સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ ટાઉન હોલના ઉપયોગ માટેની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનવાની શક્યતા છે. નાગરિકોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સિલ્વરવુડ વોટર વર્ક્સ ખાતે આવેલી જૂની ESR ટાંકીનું ડિમોલિશન કરી નવી 13.5 લાખ લીટરની ESR ટાંકીનું સ્થળ બદલવા અંગેના કામને પણ બહાલી આપવામાં આવી હતી. આમ, સામાન્ય સભામાં લેવામાં આવેલા નિર્ણયોમાં શિક્ષણ, પાણી, સ્ટ્રીટલાઇટ, વાહન વ્યવસ્થા, ટેકનોલોજી, બજાર વ્યવસ્થા અને મહાનગરપાલિકાની વહીવટી કામગીરીજેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. શહેરના સુવ્યવસ્થિત વિકાસ સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ નિર્ણયો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.










