વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ માસ’ તથા ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી અંતર્ગત ગત તા. ૨૯-૦૯-૨૦૨૬ના રોજ ૩ થી ૬ વર્ષના બાળકો માટે રંગપૂરણી પ્રવૃત્તિ તેમજ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે “મારી પોષણ થાળી” ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સર્જનાત્મક શક્તિ અને સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ કરવાનો હતો. સાથે જ કિશોરીઓમાં સંતુલિત આહાર, પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ કેળવવાનો હતો.
જૂનાગઢ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે ૩ થી ૬ વર્ષના બાળકોએ નિયત થયેલા પુસ્તકોમાં આપેલા ચિત્રોમાં ઉત્સાહપૂર્વક રંગપૂરણી કરી હતી. જ્યારે બીજી તરફ કિશોરીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ દ્વારા પોષણયુક્ત થાળીના વિવિધ ખાદ્ય જૂથોને ચિત્રમાં સુંદર રીતે રજૂ કરી, “સંતુલિત આહાર એ સ્વસ્થ જીવનનો આધાર” નો ઉમદા સંદેશ આપ્યો હતો.
આ પ્રવૃત્તિ દ્વારા કિશોરીઓમાં પૌષ્ટિક આહાર પ્રત્યે સમજ, જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ બાળકના સર્વાંગી વિકાસની સાથે આ અનુભવને સકારાત્મક અને સમાવેશી બનાવવા માટે ભાગ લેનાર પ્રત્યેક બાળક તથા ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કિશોરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.












