
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત GUJCOST દ્વારા ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર (CSC)ના સંકલનથી “રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ ૨૦૨૬–૨૭”ની છોટાઉદેપુર જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. “વિજ્ઞાન અને સમાજ” વિષય આધારિત આ સ્પર્ધામાં જિલ્લાના ૯ શાળાની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈલેક્ટ્રિક વાહનો (EV), આંતરતારકીય આવાસ અને મહાસાગરોની પુનઃસ્થાપના જેવા વિવિધ વિષયો પર સર્જનાત્મક નાટ્ય રજૂઆતો કરી હતી. સ્પર્ધામાં ખત્રી વિદ્યાલય, બોડેલીની ટીમે ઉત્કૃષ્ટ રજૂઆત સાથે તૃતીય ક્રમ મેળવ્યો હતો. તમામ સહભાગી ટીમોને પ્રમાણપત્રો તેમજ વિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં GUJCOSTના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન તથા સચિવ શ્રી પી. ભારતી IASના વડપણ હેઠળ વિદ્યાર્થીઓ અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ.એમ. પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનેલી ટીમ તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ગ્રાન્ડ ફિનાલેમાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર સ્પર્ધાનું આયોજન ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી ઈન્દ્રસિંહ રાઠોડના સફળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર તોસીફ ખત્રી










