વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ટાઉનહોલ ખાતે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રદર્શન
જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’ (VSSE)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવકાશ વિજ્ઞાન પ્રદર્શન તા. 11, 12 અને 13 ઓક્ટોબર, 2026 દરમિયાન નવસારી મહાનગરપાલિકા ટાઉનહોલ, દેવિના પાર્ક ખાતે યોજાશે. પ્રદર્શનનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.
પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને અવકાશ વિજ્ઞાન અને અંતરિક્ષ ટેકનોલોજીને નજીકથી સમજવાની તક મળશે. જેમાં ‘ઇન્ટરેક્શન વિથ સાયન્ટિસ્ટ’, ‘સ્પેસ ઓન વ્હીલ’, ‘સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન’ તેમજ રોકેટ લોન્ચિંગનું નિદર્શન મુખ્ય આકર્ષણ રહેશે.
પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં અવકાશ વિજ્ઞાન, અંતરિક્ષ ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક સંશોધન પ્રત્યે રસ-રુચિ વધારવાનો તેમજ ISRO દ્વારા અંતરિક્ષ ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલી વિવિધ સિદ્ધિઓ અને સંશોધન અંગે માહિતી પહોંચાડવાનો છે.
શાળા-કોલેજો પોતાના વિદ્યાર્થીઓને આ પ્રદર્શનની મુલાકાત કરાવવા ઇચ્છતી હોય તો તેમણે અગાઉથી સ્લોટ બુકિંગ કરાવવાનું રહેશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી 9909970223, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 9909971688, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 9427846161 તથા શિક્ષણ નિરીક્ષક 9426868079નો સંપર્ક કરવા જણાવાયું છે. જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની દ્વારા નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા-કોલેજોના સંચાલકો તેમજ નાગરિકોને આ અનોખા અવકાશ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈ તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.










