સંતરામપુરમાં IIFL સમસ્તા ફાઇનાન્સમાં મોટું કૌભાંડ: જીવતેજીવ૩૨ ગ્રાહકોને ‘કાગળ પર મારી’ લાખોની ઉચાપત!


સંતરામપુર: અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર સ્થિત IIFL સમસ્તા ફાઇનાન્સ શાખામાં આચરવામાં આવેલા એક ચોંકાવનારા અને ગંભીર નાણાકીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાગળ પર જીવતા માણસોને ‘મૃત’ દર્શાવીને લાખો રૂપિયાની લોન ક્લોઝ કરી દેવાનું અને વીમાની રકમ ડબાવી જવાનું મોટું કારસ્તાન સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી પ્રકરણમાં શાખાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
જીવિત લોનધારકોના નામે બનાવટી મૃત્યુ પ્રમાણપત્ર!
મળતી વિગતો અનુસાર, સંતરામપુર IIFL સમસ્તા ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા પંકજભાઈ દલપતભાઈ માલ સામે આ ગંભીર આક્ષેપો થયા છે. વર્ષ ૨૦૨૫થી ૨૦૨૬ દરમિયાન પૂર્વ બ્રાન્ચ મેનેજરે પોતાના પદનો દુરુપયોગ કરી, વિવિધ ગામોના ૩૨ જેટલા લોનધારકોના બોગસ અને ખોટા મૃત્યુ પ્રમાણપત્રો તૈયાર કર્યા હતા.
કૌભાંડની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે લોનધારકો હજુ સજ્જડ જીવિત છે, તેમને સિસ્ટમમાં મૃત જાહેર કરી દેવાયા હતા! આ કાગળિયા રજૂ કરીને ૩૨ લોનધારકોની લોન ખાતા ક્લોઝ કરી દેવામાં આવ્યા હતા અને તેના નામે આવતી વીમા કંપનીની ક્લેમ રકમ તથા લોનની રકમોમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી.
રૂ. ૧૮.૧૪ લાખની ઉચાપતનો ખુલાસો
કંપનીના આંતરિક ઓડિટ અને તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે કુલ ૩૨ ગ્રાહકોના નામે આશરે રૂ. ૧૮.૧૪ લાખની લોન રકમ સાથે રમત રમાઈ હતી. સિસ્ટમમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરીને કંપની સાથે જ નહીં પરંતુ નિર્દોષ ગ્રાહકો સાથે પણ મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ બાબત આવતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
પોલીસે BNSની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો
આ અંગે સંતરામપુર પોલીસે ફરિયાદના આધારે તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ FIR નં. ૧૧૧૮૭૦૦૭૨૬૦ દાખલ કરી છે. આરોપી પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૫) (વિશ્વાસઘાત અને ઉચાપત), ૩૧૮(૪) (છેતરપિંડી) અને ૩૪૦(૨) (ખોટા દસ્તાવેજો બનાવવા અને તેનો ઉપયોગ કરવો) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસનો ધમધમાટ: અન્ય કોની સંડોવણી?
આ હાઇપ્રોફાઇલ કૌભાંડ સામે આવ્યા બાદ સંતરામપુર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હવે પોલીસ તપાસમાં કેટલાક મુખ્ય સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે:
સરકારી કે સ્થાનિક સંસ્થાઓના નામે આ ખોટા મૃત્યુ પ્રમાણપત્રો કોણે અને ક્યાંથી બનાવી આપ્યા?
કંપનીની ઓનલાઇન સિસ્ટમમાં આ દસ્તાવેજો કેવી રીતે સરળતાથી પાસ થઈ ગયા?
વીમા કંપનીમાંથી પાસ થયેલી લાખોની રકમ કયા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી?
શું આ સમગ્ર કૌભાંડમાં માત્ર બ્રાન્ચ મેનેજર જ સામેલ છે કે પછી અન્ય કોઈ કર્મચારી કે બહારના કૌભાંડીઓની પણ મિલીભગત છે?
પોલીસના કડક વલણને જોતા આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થાય અને અન્ય લોકોની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.










