૧૭ વર્ષ દેશની સરહદો સાચવ્યા બાદ માતૃભૂમિના ખોળે: ઝઘડિયાના રત્ન વિજયભાઈ વસાવાનું ઉમલ્લા ખાતે ભવ્ય અને લાગણીસભર સન્માન


ભારતીય સેનામાં સતત ૧૭ વર્ષ સુધી અવિરત અને નિષ્ઠાપૂર્વક દેશસેવા બજાવ્યા બાદ વતન પરત ફરેલા ઝઘડિયા તાલુકાના ખાખરીપુરા ગામના સપૂત વિજયભાઈ વસાવાનું આજે ઉમલ્લા ચાર રસ્તા ખાતે ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનની માટીમાં પગ મૂકતા જ જવાનના સન્માનમાં સમગ્ર વિસ્તાર “ભારત માતા કી જય” અને દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો.મળેલી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એવા ખાખરીપુરા ગામના વતની વિજયભાઈ વસાવા ૧૭ વર્ષ પૂર્વે ભારતીય થલ સેનામાં જોડાયા હતા. પોતાની સેવા દરમિયાન તેમણે દેશના વિભિન્ન અને વિષમ સ્થિતિ ધરાવતા સરહદી વિસ્તારોમાં ફરજ બજાવી માતૃભૂમિની રક્ષા કરી હતી. સેનામાં તેમની અંતિમ ફરજ રાજસ્થાનની રણસીમા ધરાવતી જેસલમેર બોર્ડર પર રહી હતી, જ્યાંથી નિવૃત્ત થઈને તેઓ આજે પ્રથમ વખત પોતાના વતન પહોંચ્યા હતા.દેશના વીર જવાનના આગમનને લઈને ઉમલ્લા ચાર રસ્તા ખાતે વહેલી સવારથી જ ઉત્સવ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા અને પુષ્પવર્ષા વચ્ચે વિજયભાઈનું ફૂલહાર પહેરાવી ખુબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ગૌરવવંતા પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ વાસાદીયા, સામાજિક અગ્રણી નટુભાઈ વસાવા સહિત સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ ખાખરીપુરા અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ વિજયભાઈની દીર્ઘ સેવાની સરાહના કરતા જણાવ્યું હતું કે, “પોતાના સુખ-ચેનનો ત્યાગ કરીને સરહદ પર દેશની રક્ષા કરનાર જવાનો સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત છે.”
૧૭ વર્ષની યશસ્વી સેવા બાદ પોતાના માતૃભૂમિમાં પરત ફરેલા વિજયભાઈ વસાવાના આ સન્માન સમારોહથી માત્ર ખાખરીપુરા ગામ જ નહીં, પરંતુ સમગ્ર ઝઘડિયા તાલુકાનું ગૌરવ વધ્યું છે.
ઈરફાન ખત્રી
રાજપારડી










