MORBI:અડધી સદીની દોસ્તીનું અનોખું પર્વ: મોરબી ધ.વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલના ૧૨ સાયન્સની પ્રથમ બેચના વિદ્યાર્થીઓ ૫૦ વર્ષ બાદ ગોલ્ડન જ્યુબિલી સ્નેહમિલનમાં મળશે

મોરબી:સમયના વહેણ વચ્ચે અતીતની સુવર્ણ સ્મૃતિઓને પુનર્જીવિત કરવા માટે મોરબીની ઐતિહાસિક ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગુરુજનો પાંચ દાયકા (૫૦ વર્ષ) બાદ એક મંચ પર એકઠા થઈ રહ્યા છે. વર્ષ ૧૯૭૬ થી ૧૯૭૮ દરમિયાન અમલી બનેલા નવા અભ્યાસક્રમ સાથે ધોરણ ૧૨ સાયન્સની પ્રથમ બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ૫૦થી વધુ સહપાઠીઓ તેમના પરિવારજનો સાથે આગામી ૪ ઓક્ટોબરે આ ગોલ્ડન જ્યુબિલી મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે.

વિપરીત સંજોગો સામે ઝઝૂમી કંડારી હતી સફળતાની કેડી – આજથી ૫૦ વર્ષ પહેલાં જ્યારે ૧૨ સાયન્સનો નવો અભ્યાસક્રમ શરૂ થયો ત્યારે સમયસર પુસ્તકોની અછત, પ્રયોગશાળા (લેબોરેટરી) અને સાધનોનો અભાવ જેવી અસંખ્ય વિષમ પરિસ્થિતિઓ સામે આવી હતી. જોકે, શાળાના સમર્પિત ગુરુજનોના અથાક માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની કંઈક કરી બતાવવાની અદમ્ય ઇચ્છાશક્તિના બળે આ બેચે તમામ પડકારોને પાર કર્યા હતા. આજે આ બેચના વિદ્યાર્થીઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ વ્યવસાયો, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોમાં મોરબી તથા ગુજરાતનું નામ રોશન કરી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
ગુરુવંદના, ગીત-સંગીત અને જૂની યાદોની રમઝટ – આ ઐતિહાસિક સ્નેહમિલનમાં વિદ્યાર્થીઓ પોતાના તત્કાલીન ગુરુજનોનું વિશેષ સન્માન કરી ‘ગુરુવંદના’ અર્પશે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં સેવા અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા શિષ્યોની સફળતા નિહાળી ગુરુજનો પણ ગૌરવની લાગણી અનુભવશે. આ સાથે ગીત-સંગીત, સહપાઠીઓ સાથેની હળવી પળો અને વિદ્યાર્થીકાળની અલ્લડ મસ્તીભરી યાદો વાગોળીને સૌ આત્મીયતાસભર ક્ષણો માણશે.
કાર્યક્રમની વિગત:તારીખ: ૪ ઓક્ટોબર, ૨૦૨૬ (રવિવાર) સમય: સવારે ૯:૦૦ કલાકથી સાંજ સુધી સ્થળ: નાલંદા વિદ્યાલય, વીરપર પાસે, મહિન્દ્રા કાર શોરૂમવાળી શેરી, મોરબી-રાજકોટ હાઈવે, મોરબી
આ અડધી સદીની મિત્રતાના અવસરને યાદગાર અને ભવ્ય બનાવવા માટે આદરણીય ડો. ભાડેસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્દુલાલ રાણપરા, યોગેશભાઈ પટેલ, દિલીપભાઈ સોલંકર સહિત સ્થાનિક મિત્રોની સમગ્ર ટીમ તડામાર તૈયારીઓ સાથે આયોજનને આખરી ઓપ આપી રહી છે.












