MORBI:મોરબી જિલ્લામાં ચોપડે સેંકડો વીંઘા ગૌચર, ગ્રાઉન્ડ પર ઝીરો :કડક છાપ ધરાવતા કલેક્ટર : ગ્રાઉન્ડ લેવલે તપાસ થશે ખરી?

મોરબી જિલ્લામાં હાલ જમીનોના ભાવ આસમાને આંબી રહ્યા છે, ત્યારે જમીન ખરીદ-વેચાણના વ્યવહારમાં એક ચોંકાવનારો ‘ખેલ’ સામે આવી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેતીની જમીન ખરીદતી વખતે એવા ખેતરોને પહેલી પસંદગી આપવામાં આવી રહી છે જેની સરહદ સરકારી ખરાબા કે ગૌચરની જમીનને અડીને આવેલી હોય. જમીન ખરીદવા પાછળનો છૂપો ઈરાદો ખેતી કરવાનો ઓછો અને ભવિષ્યમાં બાજુમાં આવેલું સરકારી ગૌચર ધીમે-ધીમે પચાવી પાડવાનો વધારે હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઊઠી રહી છે.
‘એક સાંધે ત્યાં તેર તૂટે’: ૨ વીંઘા ખરીદી ૫ વીંઘા કરી નાખવાનો કાળો કારોબાર સ્થાનિક સ્તરે ચાલતા આ ગોરખધંધાની પદ્ધતિ સાવ સીધી છે. પ્રથમ સરકારી જમીનની લગોલગ આવેલો નાનો જમીન પટ્ટો કે ખેતર ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. ત્યારબાદ ખેતીના બહાને વર્ષો-વર્ષ શેઢા આગળ ધપાવી, વાડ વધારીને બાજુમાં રહેલા સરકારી ગૌચર કે ખરાબા પર ગેરકાયદે કબજો જમાવી દેવાય છે. કાગળ પર ખેતર ૨ કે ૩ વીંઘાનું હોય, પરંતુ સ્થળ પર તપાસ કરવામાં આવે તો તે ૫ થી ૭ વીંઘા સુધી પહોંચી ગયું હોય છે.

ભ્રષ્ટ બાબુઓની મિલીભગત અને આંખ આડા કાન આ પ્રકારના વ્યવસ્થિત ષડયંત્રમાં સ્થાનિક વહીવટી તંત્ર અને મહેસૂલી બાબુઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવે છે. નવા ખરીદારો જ્યારે શેઢા વધારીને ગૌચર પર દબાણ કરે છે, ત્યારે તલાટીથી માંડીને સર્કલ ઓફિસર કે ઉચ્ચ અધિકારીઓ સુધી બધું જ જાણીતા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે. જો કોઈ ગ્રામજન વિરોધ કરે તો તેને દબાવી દેવામાં આવે છે અથવા કાગળ પર તપાસ પૂરી કરી લીપાપોતી કરી દેવાય છે.પશુઓ માટે ગૌચર ગાયબ, કલેક્ટરની કડક તપાસની માંગ આ અંધાધૂંધ દબાણોના કારણે આજે ગામડાઓમાં અબોલ પશુઓ માટે ચરિયાણની જમીન બચી જ નથી. કાગળ પર ગૌચરના મોટા-મોટા આંકડા બોલે છે, પરંતુ જમીન પર માત્ર ખાનગી ખેતરોની વાડ જ દેખાય છે. હવે સમય પાકી ગયો છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને કડક છાપ ધરાવતા જિલ્લા કલેક્ટર આવા શંકાસ્પદ ખેતરો અને તેની આસપાસની સરકારી જમીનોની ‘ડ્રોન સર્વે’ કે સ્થળ તપાસ કરાવી ગૌચર હડપ કરનારા તત્ત્વો સામે લાલ આંખ કરે.
મળતી માહિતી મુજબ માનસર ગામના સરપંચે ગામમાં થયેલાં ગેરકાયદે દબાણો હટાવવા સીધી પ્રધાનમંત્રી (PM) પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકના રાજકારણ અને વહીવટી આલમમાં મોટો ખળભળાટ મચી ગયો છે.સરપંચના આ આકરા પગલાથી વર્ષોથી સરકારી જમીન પચાવી પાડીને બેઠેલા તત્ત્વો અને તેમને છાવરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચોપડે ગૌચર બોલે છે, ગ્રાઉન્ડ પર ચિત્ર સાવ અલગ!વાસ્તવિકતા એ છે કે મોરબી જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં સરકારી ચોપડે ગૌચરની સેંકડો વીંઘા જમીન બોલે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ સાવ વિપરીત છે. જમીન પર વાસ્તવિકતા જોતાં ગૌચર ક્યાંય નજરે પડતું નથી. સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ, જો આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર ન્યાયી અને સાચી તપાસ કરવામાં આવે, તો મહેસૂલ તંત્રના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સીધા ‘ઘરભેગા’ થઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ શકે તેમ છે.
‘શેઢા વધારી’ ગૌચર હડપ કરવાનો વર્ષો જૂનો ખેલ મોટાભાગના ગામડાઓમાં ખેતીની જમીનને અડીને આવેલા સરકારી ખરાબા કે ગૌચર પર આસપાસના ખાતેદારોએ ધીમે-ધીમે શેઢા વધારીને મોટો જમીન પટ્ટો પોતાના કબજામાં લઈ લીધો છે. વર્ષોથી ચાલતા આ ખેલ સામે સ્થાનિક ગ્રામ પંચાયતો અને તલાટીથી માંડીને ઉચ્ચ સ્તરના મહેસૂલી તંત્રે આંખ આડા કાન કર્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે.
શું અન્ય સરપંચો પણ મેદાને આવશે?માનસર ગામના સરપંચે હિંમત દાખવીને સીધી વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, માનસર સરપંચના આ સાહસિક પગલાં બાદ તાલુકાના અન્ય ગામોના સરપંચો પણ પોતાના ગામનું ગૌચર ખુલ્લું કરાવવા મેદાને આવશે કે પછી દબાણકારો સામે ચૂપકીદી સાધી લેશે?
કડક છાપ ધરાવતા કલેક્ટર ગ્રાઉન્ડ લેવલે તપાસ થશે ખરી?હાલના જિલ્લા કલેક્ટર પોતાની કડક કાર્યશૈલી અને નિયમોના ચુસ્ત પાલન માટે જાણીતા છે. સામાન્ય પ્રજામાં પણ તેમની છાપ એક બાહોશ અને કડક અધિકારી તરીકેની છે, ત્યારે સમગ્ર જિલ્લાના લોકોની નજર હવે કલેક્ટર તંત્ર પર ટકેલી છે. શું વહીવટી તંત્રની ટીમો માત્ર કચેરીઓમાં બેસીને કાગળ પર તપાસ પૂરી કરી લીપાપોતી કરશે, કે પછી રૂબરૂ ગામડાઓમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પારદર્શક સરવે કરાવી સાચાં દબાણો ખુલ્લાં કરી બુલડોઝર ફેરવશે? તે જોવું રહ્યું.












