TANKARA:ટંકારા નાના ખીજડીયામાં પરપ્રાંતીય મજૂરની વિગતો ન આપનાર વાડી માલિક સામે ગુનો દાખલ

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ ટંકારા પોલીસે નાના ખીજડીયા ગામના એક વાડી માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાડી કે ખેતરમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોની ઓળખ અને વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત હોવા છતાં બેદરકારી દાખવવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસની ટીમ નાના ખીજડીયાથી ઘુનડા (ખા.) જવાના રસ્તે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખેતરની ઓરડીમાં રહેતા અને ખેતમજૂરી કરતા પ્રવિણભાઈ રમેશભાઈ બામણીયા (ઉં.વ. ૧૯, મૂળ રહે. એમ.પી.) નામના યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે તે છેલ્લા ત્રણેક મહિનાથી પોતાના પરિવાર સાથે જયંતીભાઈ પરસોતમભાઈ બારેયાની વાડીમાં કામ કરે છે.
વાડી માલિક જયંતીભાઈ બારેયા (ઉં.વ. ૫૩, રહે. નાના ખીજડીયા) ની પૂછપરછ કરતાં તેમણે આ પરપ્રાંતીય મજૂર અંગેની કોઈ પણ પ્રકારની માહિતી ટંકારા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હોવાનું સામે આવ્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન જણાતા ટંકારા પોલીસે વાડી માલિક જયંતીભાઈ બારેયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૧ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












