અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગાંધી જયંતીની ભાવભેર ઉજવણી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ગાંધી જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો દ્વારા મહાત્મા ગાંધીજી તથા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનુભાવોની વેશભૂષા ધારણ કરી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ ગાંધીજીના વેશમાં સજ્જ થઈ ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી અને સ્વચ્છતાના સંદેશને સુંદર રીતે રજૂ કર્યો હતો.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો દ્વારા બાળકોને મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન અંગે બાળસહજ રીતે માહિતી આપવામાં આવી હતી.આ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી નાની વયથી જ બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા, શિસ્ત, સત્ય અને અહિંસા જેવા મૂલ્યોનું સિંચન થાય તથા મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારો સાથે બાળકો પરિચિત બને તેવો ઉદ્દેશ્ય સાકાર કરવામાં આવ્યો હતો.અરવલ્લી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલી આ ઉજવણીમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની ગાંધી જયંતીને યાદગાર બનાવી હતી.










