વિજાપુરમાં તોગડિયાની હિન્દુ હિત રક્ષા માટે હાકલ
નવરાત્રીમાં હિન્દુ પરંપરા મુજબના કાર્યક્રમો યોજવા કાર્યકરોને માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણભાઇ તોગડીયાએ સહદેવ બેંગ્લોઝ ખાતે હિન્દુ હિત રક્ષા અંતર્ગત કાર્યકરો સાથે મૂલાકાત કરી હતી. આ મુલાકાતમાં હિન્દુ ધર્મની જાગૃતિ, સંગઠન અને હિન્દુ હિતના વિવિધ મુદ્દાઓ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવરાત્રી પર્વની શરૂઆતને ધ્યાનમાં રાખી પ્રવીણભાઈ તોગડિયાએ મા અંબાના આશીર્વાદ સાથે બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. આગામી નવરાત્રી દરમિયાન માતા-દીકરીઓ ભયમુક્ત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે જરૂરી જાગૃતિ અને સામાજિક જવાબદારી અંગે પણ તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે નવરાત્રી અને વિજયાદશમી દરમિયાન હિન્દુ પરંપરા અને રીતિ-રિવાજ મુજબ સામૂહિક શસ્ત્રપૂજા, કન્યા પૂજન, દુર્ગા સપ્તશતી પાઠ તથા વિજયાદશમીના દિવસે રાવણ દહન સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા અપીલ કરી હતી. સાથે જ હિન્દુ સમાજમાં ધાર્મિક જાગૃતિ અને સંગઠન વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોને સક્રિય રહેવા જણાવ્યું હતું.
આ સમયે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કાકા અશોકભાઈ પટેલ, અમિત પટેલ, દિલીપભાઈ પટેલ સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી દિવસોમાં હિન્દુ હિત અને ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી.










