કામરેજ | સુરત: શનિવાર, તા. 03/10/2026ના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ-1 આંગણવાડી કેન્દ્ર, ઘટક-કામરેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવા સાથે બાળકો માટે સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવાનો રહ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સમીરભાઈ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કૌશલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સુરતના સભ્યશ્રી ભૂમિકાબેન, તાલુકા પંચાયત કામરેજના કારોબારી અધ્યક્ષ શ્રી વિશાલભાઈ દેસાઈ, વાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુભાઈ તથા ઈ.ચા. સીડીપીઓ કામરેજ શ્રીમતી શિલ્પાબેન ચૌધરી સહિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ પદાધિકારીઓ તથા ઉપસ્થિત આગેવાનો દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ સ્વચ્છતા કામગીરીમાં સહભાગી બની સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે **‘સ્વચ્છ આંગણવાડી, સ્વસ્થ બાળપણ અને હરિયાળું પર્યાવરણ’**ના સંદેશ સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને ગ્રામ પંચાયતના સહયોગથી સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત










