‘સરહદનો સાદ : વિકસિત વાવ-થરાદ’ની થીમ પર ભવ્ય ઉજવણી, શંકરભાઈ ચૌધરીએ દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાનો સંકલ્પ લેવડાવ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાની રચનાને એક વર્ષ પૂર્ણ થતાં ૨ ઓક્ટોબરના રોજ થરાદમાં પ્રથમ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં સમગ્ર સરહદી પંથક ઉત્સવમય બન્યો હતો.

‘જનભાગીદારીથી વિકાસ’નો સંકલ્પ

શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રથમ સ્થાપના દિવસને જિલ્લાવાસીઓએ પોતાના ઘરના ઉત્સવની જેમ ઉજવીને જનભાગીદારીનો સંદેશ આપ્યો છે. તેમણે વાવ-થરાદને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા સ્વચ્છતા, વૃક્ષારોપણ, વરસાદી પાણીના સંચય અને સૌરઊર્જાના મહત્તમ ઉપયોગ માટે સામૂહિક સંકલ્પ લેવા હાકલ કરી હતી.

પરબતભાઈ પટેલને વિશિષ્ટ સેવા પ્રતિભા એવોર્ડ

સામાજિક અને રાજકીય ક્ષેત્રે યોગદાન બદલ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલને ‘વિશિષ્ટ સેવા પ્રતિભા એવોર્ડ’ એનાયત કરાયો હતો. GPSCના સભ્ય અને પૂર્વ કલેક્ટર મયુર મહેતાનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ‘જિલ્લા ગરિમા પુરસ્કાર’ આપી સન્માનિત કરાયા હતા.

૧૨ મહિનામાં વહીવટી વ્યવસ્થાને વેગ

રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં વાવ-થરાદ જિલ્લાનું સ્વપ્ન સાકાર થયું છે. પ્રથમ જ વર્ષમાં વહીવટી તંત્રને કાર્યરત બનાવવામાં આવ્યું છે અને વિકાસને નવી દિશા મળી છે.

લોકસંગીતથી રંગાઈ સાંસ્કૃતિક સંધ્યા

જિલ્લાની એક વર્ષની વિકાસગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજભા ગઢવી, શ્રવણ સોઢા અને દેવિકાબેન રબારી સહિતના કલાકારોએ લોકસંગીત અને દેશભક્તિના ગીતોથી સાંસ્કૃતિક સંધ્યાને રંગીન બનાવી હતી.

જિલ્લાની વિકાસયાત્રાનો સંકલ્પ

મલુપુર ખાતે આકાર લઈ રહેલા જિલ્લા સેવા સદન અને વહીવટી સંકુલનો ઉલ્લેખ કરતાં અધ્યક્ષશ્રીએ આગામી સમયમાં વાવ-થરાદને માળખાકીય વિકાસ, હરિયાળી, જળસંચય, સૌરઊર્જા અને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પુરુષાર્થનું આહ્વાન કર્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો