Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

૨૩૫ લાભાર્થીઓને ₹૧૭.૫૯ લાખથી વધુ રકમના ૩૪૭ સાધનો વિતરણ કરાયાં

દિવ્યાંગોની અદભુત ક્ષમતાઓ અને ઝડપથી અભિવ્યક્ત કરવાની કળામાંથી દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ: કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ*

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની દિવ્યાંગ કલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ ૨૩૫ લાભાર્થીઓને કુલ ₹૧૭,૫૯,૬૦૩ની કિંમતના ૩૪૭ જેટલા સાધનો જેમાં વ્હીલચેર, હિયરીંગ એઇડ મશીન અને ટી.એલ.એમ કિટ વગેરે સાધનોના વિતરણ સાથે દિવ્યાંગ રમતવીરોને સન્માનિત કરાયાં હતાં. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૨ લાભાર્થીઓને ₹૧.૫૦ લાખની સહાય, સંત સૂરદાસ યોજના હેઠળ માસિક ₹૧,૦૦૦/- પેન્શન સહાય તેમજ એસ.ટી. બસ ફ્રી મુસાફરી પાસ દિવ્યાંગ લાભાર્થીઓને એનાયત કરાયા હતા. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિવ્યાંગજનોનાં કલ્યાણ અર્થે કાર્યરત અગ્રણીશ્રીઓન પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. આ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્થળ પર ૪૫૦ દિવ્યાંગજનોનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકો સમાજના મુખ્ય પ્રવાહનો જ એક અતૂટ હિસ્સો છે. દિવ્યાંગ બાળકોની અદભુત ક્ષમતાઓ અને ઝડપથી અભિવ્યક્ત કરવાની કળામાંથી દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ. સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, સંત સુરદાસ યોજના, વિનામૂલ્યે બસ પાસ સહિતની અનેકવિધ યોજનાઓ દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે

કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર સેવા અભિયાન નથી પરંતુ દિવ્યાંગ બાળકોના આશીર્વાદ મેળવવાનો ઉત્સવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગજનો આત્મનિર્ભર બને તે માટે સરકાર સામે ચાલીને લાભાર્થીઓના આંગણે આવી સહાય પહોંચાડી રહી છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ દિવ્યાંગજનો માટે સહાયરૂપ બની રહી છે.

અગ્રણી માધવભાઈ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણ તરફ દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે અંત્યોદયના કલ્યાણ માટે સરકારની યોજનાઓ અસરકારક માધ્યમ બની રહી છે. તેમણે પૂજ્ય બાપુના વિચારો, સ્વચ્છતા અભિયાન અને ‘એક પેડ મા કે નામ’ સંકલ્પને જીવનમાં વણી લેવા આહ્વાન કર્યું હતું.

સંસ્થાના અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ દવેએ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો આ તકે આભાર વ્યક્ત કરીને, દિવ્યાંગજનો માટે કાર્યરત કલ્યાણકારી યોજનાઓની સરાહના કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ગાયત્રી સેવા સંસ્થા ઉદયપુર (રાજકોટ) દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સમાજ સુરક્ષા કચેરીના મિલનભાઈ પંડિત દ્વારા કરાયું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના નાયબ નિયામકશ્રી વી.એ.સૈયદ, સંસ્થાના પ્રમુખ શ્રી રજનીભાઈ બાવીસી, આચાર્ય શ્રી કશ્યપભાઈ, વી.ડી.પારેખ અંધ વિદ્યાલયનાં માનદ મંત્રીશ્રી પ્રકાશભાઈ સહિત અધિકારીઓ, શાળા પરિવારના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો