Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે

સિવિલ કેમ્પસમાં પાન-માવાની પિચકારી મારનાર સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવા મંત્રીશ્રીની સૂચના

ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલના ડાયાલિસિસ સેન્ટરની ટીમને અભિનંદન પાઠવતાં મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

દર્દીલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા તબીબોને માર્ગદર્શન આપ્યું

Rajkot: રાજકોટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલ પરિસરના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બને તે માટે નંબર, કોડ સિસ્ટમ અને સ્ક્રીનિંગ સાથેની વૈજ્ઞાનિક SOP બનાવી આવતીકાલથી જ તેનો ચુસ્ત અમલ કરવા આદેશ અપાયો છે. તેમજ મૃતદેહો સાચવવાની વ્યવસ્થા સુધારવા માટે રૂ. ૩.૫ કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર પ્લાનિંગ આગામી ૧૫ થી ૩૦ દિવસમાં કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગરીબ દર્દીઓ હોસ્પિટલમાંથી સંપૂર્ણ સાજા થઇને અને ખુશ થઈને ઘરે પાછા ફરે તે સરકારની પ્રાથમિકતા છે. હોસ્પિટલ કેમ્પસમાં પાન-માવા ખાઈને પિચકારી મારનાર કે ગંદકી કરનાર કોઈપણ વ્યક્તિ કે કર્મચારી સામે સિક્યોરિટી દ્વારા સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરાશે.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી તથા ટીબી અને છાતીના રોગો સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના અદ્યતન એમ.આર.આઈ. સેન્ટર અને ડાયાલિસિસ યુનિટની મુલાકાત લઈ મંત્રીશ્રીએ ડાયગ્નોસ્ટિક તથા ક્રિટીકલ કેર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ તકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. કમલસિંહ ડોડીયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વિગતોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ મંત્રીશ્રીએ વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને ઇમરજન્સી સેવાઓની સમીક્ષા કરી હતી. જેમાં સ્ટ્રેચરની સુવિધા, એમઆરઆઈની સુવિધા, ટીબીના દર્દીઓને અપાતી સારવાર અંગે, બાળક અને માતાના મૃત્યુદર ઘટાડવા તેમજ સિવિલ સિક્યોરિટી સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. આ તકે ડાયાલિસિસ સેન્ટર દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી ઉત્કૃષ્ટ સેવાઓની મંત્રીશ્રીએ વિશેષ સરાહના કરી હતી અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વેળાએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી શ્રી પી. કે. સિંઘ, આરએમઓ શ્રી ડો. હર્ષદ દૂસરા સહિત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા  

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો