રાહુલ ગાંધીએ દેશભરના આંદોલનોને એક મંચ પર લાવવા ‘સત્યાગ્રહ’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ મુદ્દાઓ પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘સત્યાગ્રહ’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં ચાલી રહેલા આંદોલનો અને સંઘર્ષોને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. તેમણે કહ્યું કે, વિપક્ષના નેતા તરીકે જ્યાં પણ સત્યને દબાવવામાં આવી રહ્યું હોય ત્યાં સામાન્ય નાગરિકો સાથે ઊભા રહેવું તેમની ફરજ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘આજે દેશમાં વિદ્યાર્થીઓ પેપર લીક સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ખેડૂતો પોતાની જમીન બચાવવા લડી રહ્યા છે, આશા વર્કરો વેતન વધારાની માંગ કરી રહી છે અને આદિવાસીઓ જંગલોના રક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. દરેક વર્ગ પોતાની લડાઈ અલગ-અલગ લડી રહ્યો હોવાથી ઘણીવાર આંદોલનકારીઓને પોતે એકલા હોવાનો અહેસાસ થાય છે.’

તેમણે કહ્યું કે, ‘સત્યાગ્રહ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય નાગરિકો પોતાના વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વિગતો સીધી પહોંચાડી શકશે. આ માટે કોઈએ દિલ્હી સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને માહિતી શેર કરવામાં માત્ર 2 મિનિટ જેટલો જ સમય લાગશે. આ પ્લેટફોર્મ પર તમામ આંદોલનો નકશા પર દર્શાવવામાં આવશે, જેથી લોકો જાણી શકશે કે દેશના અન્ય ભાગોમાં પણ તેમના જેવી જ લડાઈ કોણ લડી રહ્યું છે.’

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે, ‘દેશભરમાં યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, આદિવાસીઓ, દલિતો અને મહિલાઓ પોતાના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે. દરેક સંઘર્ષની પોતાની કહાની હોય છે, પરંતુ જ્યારે કોઈ અવાજ એકલો પડે છે ત્યારે તેને દબાવવો સરળ બની જાય છે. જમીન, મહિલા અધિકાર, દલિત-ઓબીસી અધિકાર, શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચાલી રહેલી લડાઈઓને એક નકશા પર લાવીને મજબૂત અવાજ બનાવવાનો આ પ્રયાસ છે.’

મહાત્મા ગાંધી(Mahatma Gandhi)ના વિચારોને યાદ કરતાં જણાવવામાં આવ્યું કે, ‘બાપુએ શીખવ્યું હતું કે સત્ય એ સૌથી મોટું હથિયાર છે અને સત્ય સાથે મક્કમતાથી ઊભા રહેવું એ તેનાથી પણ મોટી તાકાત છે. જો દેશનો કોઈ પણ નાગરિક અન્યાય સામે લડી રહ્યો હોય, તો તેણે માત્ર 2 મિનિટ ફાળવીને પોતાની વાત અને સંઘર્ષ આ પ્લેટફોર્મ પર અચૂક શેર કરવો જોઈએ.’

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો