તારીખ ૦૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં પોલીસ સ્ટેશન સામે આવેલ કર્ણાવતી નાસ્તા હાઉસ ખાતે આજે ભારે કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો. નાસ્તાની દુકાનના વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ પાઇપમાં અચાનક એક મોટી ગો (ઘો) દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યાં વરસાદી પાઇપમાં ગો ઘૂસી ગયાની જાણ થતા કર્ણાવતી નાસ્તા હાઉસના માલિકે તાત્કાલિક જાણીતા જીવદયા પ્રેમી તુષાર પટેલ ને ટેલિફોનિક જાણ કરી હતી. જાણ થતાં જ તુષાર પટેલ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને તુષારભાઈએ અત્યંત સાવધાનીપૂર્વક અને હિંમતભેર પાટલા ગો ને પાઇપમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ તેઓએ તેને સુરક્ષિત રીતે નજીકના ખુલ્લા જંગલ વિસ્તારમાં મુક્ત કરી હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ તકે જીવદયા પ્રેમી તુષાર પટેલે પોતાના અનુભવના આધારે લોકોને સાચી માહિતી આપતા જણાવ્યું હતું કે, નાની ઉંમરે તેને ગોયરો કહેવાય છે, તેનાથી મોટો થાય ત્યારે પાટલા ગો અને ત્યારબાદ સૌથી મોટા સ્વરૂપે તે ચંદન ગો માં પરિવર્તિત થાય છે. ત્યારે તેમણે લોકોને અપીલ કરી હતી કે આ જીવ કાચિંડા જેવું જ છે અને ખેડૂતોનો મિત્ર છે.અને તે ઝેરી નથી હોતો તેથી તેને મારવો ન જોઈએ. જ્યાં તુષાર પટેલની આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.










