તારીખ ૦૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી પર અંકુશ લાવવા ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ કાલોલ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આયશર ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દારૂની હેરફેર કરતા ઈસમો પર વોચ રાખવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કાલોલ વિભાગ વી.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.ડી.ભરવાડ પોતાના સ્ટાફ સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન પી.આઈ. ભરવાડને બાતમી મળી હતી કે મરૂન કલરનું આયશર ટ્રક નંબર GJ-24-X-7055 નો ચાલક પોતાના ટ્રકના કેરિયર ઉપર ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ગોધરા તરફથી વડોદરા તરફ જઈ રહ્યો છે. ત્યારે બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે તાત્કાલિક હાઇવે પર વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન સદર આયશર ટ્રક આવતા તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે ટ્રક રોક્યો ન હતો અને પૂરઝડપે હંકારી ટ્રકને પલટી ખવડાવી ઝાડી ઝાંખરામાં નાસી છૂટ્યો હતો. જ્યાં પોલીસે સ્થળ પર તપાસ કરતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 237 પેટીઓ મળી આવી હતી, જેમાં 750 ML ની કુલ 2844 બોટલો હતી. જેની બજાર કિંમત રૂ. 37,98,000/- આંકવામાં આવી છે. અને પોલીસે રૂ. 10,00,000/- ની કિંમતનો આયશર ટ્રક સહિત કુલ રૂ. 47,98,000/- નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.










