વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

SIR પ્રક્રિયા રદ કરી નવી પ્રક્રિયા હાથ ધરવા, બેલેટ પેપરથી ચૂંટણી યોજવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ
નવસારી: મતચોરીના આક્ષેપો અને ચૂંટણી પ્રક્રિયાને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આ મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ મતચોરીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા અંગે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવી, તેનાથી ભારતીય જનતા પાર્ટીને રાજકીય લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસની ત્રણ મુખ્ય માંગણીઓ
પત્રકાર પરિષદમાં કોંગ્રેસે મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરી હતી. જેમાં હાલની SIR પ્રક્રિયા રદ કરી નવી SIR પ્રક્રિયા હાથ ધરવી, ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અનેક વિરોધ અને સવાલો વચ્ચે પણ ચૂંટણી પ્રક્રિયા એકતરફી રીતે આગળ વધી રહી છે, જેના કારણે ચૂંટણી પંચની કામગીરી અંગે શંકાનો દાયરો ઊભો થઈ રહ્યો છે. ચૂંટણી કમિશનને સુપ્રીમ કોર્ટના દાયરાથી બહાર રાખવા માટે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
‘મતાધિકારના રક્ષણ માટે રસ્તા પર ઉતરીશું’
કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મતાધિકાર લોકશાહીનો મૂળભૂત અધિકાર છે અને તેને કોઈપણ સંજોગોમાં છીનવી શકાય નહીં. મતદારોના અધિકારોના રક્ષણ તથા ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાની માંગ સાથે આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, આ મુદ્દે દેશવ્યાપી આંદોલનની પણ તૈયારી ચાલી રહી છે. જરૂર પડે તો લોકોના મતાધિકાર અને ન્યાય માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરીને લડત આપશે.
પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, નવસારી શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રાજન જોશી સહિત વિવિધ મોરચાના પ્રમુખો અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









