તા.૭/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – હેમાલી ભટ્ટ
મોબાઇલ સ્ક્રીન ટાઇમ કન્ટ્રોલ, જામરનું સમયસર નિદાન અને મૃત્યુ બાદ નેત્રદાનનો મહાસંકલ્પ લેવા તબીબી નિષ્ણાતોની અપીલ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ નેત્ર સારવાર અને જાગૃતિ સુનિશ્ચિત કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ
Rajkot: દર ર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે વિશ્વભરમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં આંખોની સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી દ્રષ્ટિહીનતા પ્રત્યે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો છે

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં સેવારત તબીબી નિષ્ણાતો દ્વારા આધુનિક સાધનો થકી દર્દીનારાયણને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
હોસ્પિટલના નેત્ર રોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. નીતિ શેઠના જણાવ્યા મુજબ, “દૂર-દૂરથી આવતા જટિલ કેસો માટે હોસ્પિટલમાં ૨૪ કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલ ખાતે જરૂરી તમામ ટીપાં, તમામ પ્રકારની સર્જરી, લેઝર પ્રોસિજર અને અધૂરા મહિને જન્મેલા બાળકોનું ખાસ સ્ક્રીનિંગ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે. આ સાથે જ, અહીં રેસિડન્ટ ડોક્ટર્સને પણ તમામ ઓપરેશન માટે ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અંજલી જણાવે છે કે, “સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીને અન્ય કોઈ હાયર સેન્ટરમાં રીફર થવું પડતું નથી. અહીં રોજના ૨૦૦થી ૨૫૦ દર્દીઓની ઓપીડી થાય છે, જેમાં મોતિયાના ઓપરેશન, વેલ, ત્રાંસી આંખ, જામર અને ઈજા સંબંધિત તમામ સર્જરી કરવામાં આવે છે. DBCS વિભાગ હેઠળ કીકીના પ્રત્યારોપણની સારવાર પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.”
આંખોની જાળવણી અંગે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિનાએ વિશેષ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “હાલના સમયમાં બાળકોમાં મોબાઇલના વધુ પડતા વપરાશને કારણે આંખોમાં નંબર આવવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. વાલીઓએ મોબાઇલમાં પેરેન્ટલ કન્ટ્રોલ કે ટાઇમ લિમિટ સેટ કરીને સ્ક્રીન ટાઇમ નિયંત્રિત કરવો જરૂરી છે. રમતાં રમતાં બાળકો આંખમાં ચુનો કે મસાલો નાખી દેવાના કિસ્સાઓ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે, તેથી વાલીઓએ આ બાબતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. બાળકોને નાનપણથી જ લીલા શાકભાજી, કઠોળ, ગાજર અને વિટામિન ‘એ’ યુક્ત પોષક આહાર આપવો તેમજ રસીકરણ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં વિટામિન ‘એ’ ના ટીપાં અવશ્ય પીવડાવવા જોઈએ. આ ઉપરાંત, ૪૦ વર્ષથી વધુ વયના લોકો અને જેમના પરિવારમાં જામરની હિસ્ટ્રી હોય, તેમણે નિયમિતપણે હોસ્પિટલ આવી તપાસ કરાવવી જોઈએ.
દ્રષ્ટિ એ કુદરતની અનમોલ ભેટ છે અને તેની સમયસર કાળજી લેવી આપણી ફરજ છે. આંખમાં કોઈપણ પ્રકારની અસ્વસ્થતા કે તકલીફ જણાય ત્યારે તબીબી સલાહ વિના જાતે કોઈ ડ્રોપ્સ ન વાપરતાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. આ ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ નિમિત્તે આપણે સૌ આપણી આંખોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીએ અને મૃત્યુ બાદ નેત્રદાન કરવાનો સંકલ્પ લઈ કોઈની અંધારી દુનિયામાં રોશની પ્રસરાવવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ










