MORBI:મોરબીમાં તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકાનું મેગા ડિમોલિશન: ₹80 કરોડની જમીન ખુલ્લી કરાવાશે, કોંગ્રેસ દ્વારા ભેદભાવના આક્ષેપ


મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર આવેલા સાવરની પાળ વિસ્તારમાં તળાવના બ્યુટિફિકેશન માટે મોટા પાયે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવના પાછળના ભાગે થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા છેલ્લા 9 મહિનાથી ચાલી રહી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નોટિસ પાઠવ્યા બાદ અને સ્થાનિકોની હાઈકોર્ટમાં રજૂઆત બાદ આખરે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં આશરે ₹80 કરોડની બજાર કિંમત ધરાવતી 25,000 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી થશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર, કુલ 187 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઓપરેશન માટે મહાપાલિકાના 140 કર્મચારીઓને 6 અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. સ્થળ પર કાયદો-વ્યવસ્થા જાળવવા 200થી વધુ પોલીસકર્મીઓ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર રહ્યા છે. ડિમોલિશન માટે 10 JCB, 4 હિટાચી મશીન, 6 બ્રેકર, 12 ટ્રેક્ટર અને 100થી વધુ મજૂરો કામે લગાડાયા છે.
ગઈકાલે રાત્રે તંત્ર દ્વારા જાણ કરાતાં મોટાભાગના સ્થાનિક પરિવારોએ સ્વેચ્છાએ પોતાના મકાનોમાંથી કિંમતી સામાન અને પતરાં હટાવવાનું શરૂ કરી દીધું હતું. વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા કેટલાક પરિવારોએ સામાન રોડ પર મૂકવો પડ્યો હતો.

આ ડિમોલિશન સામે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરિયાને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તંત્ર માત્ર OBC, SC, ST અને લઘુમતી સમાજના ગરીબોના ઝૂંપડાઓ પર જ બુલડોઝર ફેરવી રહ્યું છે, જ્યારે તળાવની બીજી બાજુ મોટા શેડ અને પાકાં દબાણો યથાવત છે.
કોંગ્રેસ આગેવાને રવાપર રોડ પર નાળા પર બનેલી નીલકંઠ વિદ્યાલય તેમજ રાજાશાહી વખતના 7 વૉકળાઓ પરના દબાણો સામે કોઈ પગલાં ન લેવાતા હોવાનો મુદ્દો ઉઠાવી આ કાર્યવાહીને પક્ષપાતી ગણાવી હતી. ઉપરાંત, ભાજપના 52 કોર્પોરેટરોની ‘સેવા જ્યોત યાત્રા’ સામે કટાક્ષ કરતાં ગરીબોને રસ્તા, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા જણાવ્યું હતું.

કોંગ્રેસની રજૂઆત સામે ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે હાલ આ ફેઝ-1ની કામગીરી છે. ફેઝ-2 હેઠળ અન્ય વિભાગોને પણ નોટિસ આપીને તમામ ગેરકાયદે દબાણો તબક્કાવાર દૂર કરવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ફેઝ-2માં સમાન ધોરણે કાર્યવાહી નહીં થાય તો સ્થાનિક રહીશો અને કોર્પોરેટરોને સાથે રાખી આંદોલનાત્મક રસ્તો અપનાવવામાં આવશે.













