જામનગર: શાળા નં. ૧૮/૧૯ જામનગર ખાતે સી.આર.સી. શાળા નં. ૧૨ અને ૨૦ ક્લસ્ટરની તમામ શાળાઓનું ક્લસ્ટર કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઉત્સાહભેર યોજાયું હતું.

જામનગર
(નયના દવે દ્વારા)
આ પ્રદર્શનમાં વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ૫ વિભાગોમાં કુલ ૩૫ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં આશરે ૭૦ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દાતાશ્રી રૂપેશભાઈ શાહના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી નિદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી તમામ કૃતિઓ ખૂબ જ આકર્ષક, સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક રહી હતી. અનેક કૃતિઓ માનવજીવનને સરળ, સુરક્ષિત અને સુવિધાસભર બનાવવામાં ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય તેવી હતી. પ્રદર્શનમાં બાળકોની વૈજ્ઞાનિક વિચારસરણી, નવીનતા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું.
ક્લસ્ટર કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ, પ્રમાણપત્ર તથા દાતાશ્રી રૂપેશભાઈ શાહ દ્વારા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ, ઘાડિયાભાઈ, તથા હરીશભાઈ (લોક કલ્યાણ કેન્દ્ર, જામનગર) તરફથી તમામ બાળકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન કોમલબેન સવસાણી, રામગોપાલ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સુંદર સંચાલન હમીરભાઈ ભાટુએ કર્યું હતું. પ્રદર્શનની કૃતિઓનું મૂલ્યાંકન પરેશભાઈ સાહેત્યા, શીતલબેન, અંકિતાબેન અઘેરા અને અવિનાશ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોર્પોરેટર મનીષભાઈ કટારિયા, શૈક્ષિક સંઘના પ્રમુખ મોતિબેન કારેથા, શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડા, રામભાઈ સોલંકી, સી.આર.સી. કો. શ્રી સમીરાબેન જીવાણી, બી.આર.પી. ઇકબાલભાઈ ઉકાણી તેમજ દાતાશ્રીઓ વિરલભાઈ લાહોટી, ઓમપ્રકાશ દુદાણી અને મોહનભાઈ વાડોલિયા ઉપસ્થિત રહી વિજેતા બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કર્યા હતા.
દાતાશ્રીઓ દ્વારા પ્રદર્શનના સફળ આયોજન બદલ શાળાના તમામ શિક્ષકો તથા માર્ગદર્શકશ્રીઓને દિવાલ ઘડિયાળ ભેટ આપી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા અને સમસ્યા નિવારણની ક્ષમતા વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રદર્શન બાળકો માટે જ્ઞાન, પ્રયોગ અને નવીનતાનો ઉત્સવ બની રહ્યું હતું.











