વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ (CWCS)ની પીએચ.ડી. સંશોધક સખી ડાભીએ ઈટાલીના પેસ્કાસ્સેરોલી ખાતે યોજાયેલી ૨૯મી રીંછ સંશોધન અને વ્યવસ્થાપન પરિષદમાં ભાગ લઈને સંશોધન રજૂ કર્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના ૪૧ દેશોમાંથી આશરે ૩૫૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સખી ડાભીએ પશ્ચિમ ભારતમાં મુક્તપણે વિચરતા અને કેદમાં રખાયેલા સ્લોથ રીંછના આંતરડાના સૂક્ષ્મજીવાણુઓની વિવિધતા અંગે તુલનાત્મક અભ્યાસ વિષય પર વક્તવ્ય આપી મૌખિક પ્રસ્તુતીકરણ કર્યું હતું. આ સંશોધનમાં સ્લોથ રીંછના આંતરડાના સૂક્ષ્મજીવોની વિવિધતા તેમજ તેના આરોગ્ય અને પોષણ સાથેના સંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે.
સખી ડાભી આંતરરાષ્ટ્રીય રીંછ સંશોધન અને વ્યવસ્થાપન સંઘ (IBA) વિદ્યાર્થી પરિષદમાં દક્ષિણ એશિયાના પ્રતિનિધિ તરીકે પણ જવાબદારી સંભાળે છે. આ પરિષદના વિદ્યાર્થી સત્રમાં પણ તેની સક્રિય ભૂમિકા રહી હતી. આ સિદ્ધિ બદલ CWCSના નિયામક ડો. નીશીથ ધારૈયાએ સખી ડાભીને અભિનંદન પાઠવ્યા હતા.











