વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

તીડ ભગાડવાથી માંડી કૂતરા ગણવા, સર્વે અને વસ્તી ગણતરી જેવી કામગીરીના ભારણથી શિક્ષણકાર્ય પ્રભાવિત થતું હોવાના આક્ષેપો; કપરાડાના શિક્ષક શંકર જાદવના મોત બાદ જવાબદારી નક્કી કરવાની માંગ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નીલોસી ગામના આચાર્ય શંકર જાદવના મૃત્યુના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શિક્ષકો પર વધતા ઈતર કામગીરીના ભારણ અને ઓનલાઈન કામગીરી અંગે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલ સહિતના આગેવાનોએ શંકરભાઈ જાદવના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોની વેદના સાંભળી હતી.
આ પ્રસંગે ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી શિક્ષકો પરની ઈતર કામગીરી અને ઓનલાઈન કામગીરીના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે શિક્ષકોને તેમના મૂળ શિક્ષણકાર્ય ઉપરાંત તીડ ભગાડવા, કૂતરા ગણવા, વિવિધ સર્વે, વસ્તી ગણતરી સહિતની અનેક કામગીરી સોંપવામાં આવતા શિક્ષણની કામગીરી પર તેની સીધી અસર પડે છે.
તેમણે જણાવ્યું હતું કે, “સરકાર શિક્ષકોને પણ માણસ જ ગણે, રોબોટ સમજીને ઈતર પ્રવૃત્તિઓ માટેનું દબાણ બંધ કરે.”શિક્ષકોનો મોટાભાગનો સમય શિક્ષણકાર્યને બદલે વિવિધ વહીવટી અને ઓનલાઈન કામગીરીમાં વપરાય તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર થવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.
ખાસ કરીને ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગ જેવા અંતરિયાળ તથા આદિવાસી વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોવા છતાં ઓનલાઈન કામગીરીનું ભારણ મૂકવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આગેવાનોના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો છતાં અનેક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
ડો. નિરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નેટવર્ક મેળવવા માટે લોકોને પહાડો પર જવાની ફરજ પડે તેવી સ્થિતિમાં ઓનલાઈન કામગીરીનું વાસ્તવિક અમલીકરણ કેટલું મુશ્કેલ છે તે સમજવું જરૂરી છે. તેમણે તામછડી ગામમાં નેટવર્ક મેળવવા પહાડ પર ગયેલા એક વ્યક્તિને સર્પદંશની બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શંકરભાઈ જાદવના મૃત્યુ અંગે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે “આ ઘટનાની જવાબદારી કોની છે?” તેમણે સમગ્ર બનાવની યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી કરવાની તથા પરિવારજનોને યોગ્ય વળતર આપવા માંગ કરી હતી. સાથે જ વળતર માટે પરિવારજનોને કચેરીઓના ધક્કા ન ખવડાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જયેન્દ્ર ગાંવિત, ઈશ્વરભાઈ તુમડા, મહાદુભાઈ સરનાઈક, ડો. કિરણ જાદવ, કાશુભાઈ પાલવા, સરપંચ દિનેશ ગાંવિત, મોહન ખાડમ, જીવલુભાઈ ગાંવિત, કાળુભાઈ ભોયા, કાર્તિક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઘટનાએ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને સોંપાતી ઈતર કામગીરી, ઓનલાઈન કામગીરી માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને શિક્ષણકાર્ય પર પડતી અસર અંગે ફરી ચર્ચા જગાવી છે. હવે સરકાર આ મુદ્દે શું પગલાં લે છે અને શિક્ષકો પરના કામગીરીના ભારણ અંગે કોઈ વ્યવસ્થાત્મક નિર્ણય લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.










