વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.જે.કે.બારીયાની ટીમ દ્વારા માનવતાભર્યો અને સતર્કતાપૂર્ણ અભિગમ દાખવીને તાપી જિલ્લામાંથી ગુમ થયેલી ૩૬ વર્ષીય મહિલાને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.જે.કે.બારીયાની ટીમને આગામી નવરાત્રીના તહેવારોને ધ્યાને રાખીને સાપુતારા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે તા. ૦૯/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન સાપુતારા બસ સ્ટેશન ખાતે એક મહિલા એકલી સૂતેલી હાલતમાં મળી આવી હતી.આ મહિલાની સુરક્ષાને પ્રાધાન્ય આપી સાપુતારા પોલીસે તેમની પૂછપરછ કરી સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા.સાપુતારા પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાનું નામ અમિતાબેન ભૂપેન્દ્રભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૩૬, રહે. બેડકુવાદૂર, તા. વ્યારા, જી. તાપી) હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારનો સંપર્ક કરતા માલૂમ પડ્યું કે મહિલા માનસિક બિમારીથી પીડાતા હોવાથી કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જે અંગે તાપી જિલ્લાના કાંકરાપાર પોલીસ સ્ટેશન ખાતે ‘ગુમ જાણવા જોગ નં. ૦૮/૨૦૨૬’ નોંધાયેલી હતી. સાપુતારા પોલીસે તાત્કાલિક કાંકરાપાર પોલીસ સ્ટેશન તથા મહિલાના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરી હતી.બાદમાં પરિવારજનો સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે અમિતાબેનને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપ્યા હતા. સાપુતારા પોલીસની સમયસૂચકતા અને માનવતાવાદી કામગીરીના કારણે એક ગુમ થયેલ મહિલાનું પોતાના પરિવાર સાથે પુનઃમિલન શક્ય બન્યુ હતુ..









