વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર ,તા-૧૨ ઓક્ટોબર : કચ્છના અંજાર તાલુકાના રતનાલ-આર.કે.નગર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શ્રી મતિયા દેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા એક હેક્ટરથી વધારે વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પરિસરને હરિયાળું બનાવવાના સામાજિક વનીકરણ વિભાગ કચ્છના પ્રયાસોને રાજ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રીએ સામાજિક સમરસતાની સાથે પર્યાવરણના જતનનો અનોખો સંકલ્પ આ પંચવટી વિકાસ કેન્દ્ર બની રહેશે તેમ જણાવીને ઉમેર્યું હતું કે, પંચવટી કેન્દ્રમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હોલ અને ઓફિસ સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હરિયાળું પરિસર આગામી દિવસોમાં સામાજિક કાર્યો સાથે પર્યાવરણના જતનનું કેન્દ્ર બની રહેશે.રાજ્યમંત્રીએ સામાજિક વનીકરણ વિભાગ કચ્છને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સામાજિક સમરસતાની સાથે આ કેન્દ્ર આવનારી પેઢી માટે પર્યાવરણના સંરક્ષણનું મહત્વનું સ્થળ બનીને ઊભરી આવશે. રાજ્યમંત્રીએ સરકારના વિવિધ કાર્યો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગામડાઓમાં તમામ માળખાકીય સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. સરકાર વર્તમાન સમયમાં ગુણવત્તાયુક્ત વિકાસકાર્યોને પ્રાધાન્ય આપીને માતબર રકમની ફાળવણી કરી રહી છે. રાજ્યમંત્રીએ રતનાલ સહિત અંજાર વિસ્તારના તમામ વિકાસકાર્યો તબક્કાવાર પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું.રતનાલના આર.કે.નગરના વિકાસની વાત કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આર.કે.નગર એ ભૂકંપની પછડાટ ખાઈને ઊભું થયેલું સુંદર અને સુવ્યવસ્થિત નગર છે. આર.કે.નગરમાં તમામ સુવિધાઓ ગ્રામજનોને મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમંત્રીએ ગ્રામજનોને સહિયારા પ્રયાસોથી ગામનો વિકાસ કરવા માટે આગળ આવવા કહ્યું હતું.રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે,સમાજના સારા કાર્યો એ સામૂહિક શક્તિથી જ શક્ય બને છે. પંચવટી વિકાસ કેન્દ્ર રતનાલ એ પણ સામૂહિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.શ્રી મતિયા દેવ મંદિર પરિસરને હરિયાળુ બનાવવા સામાજિક વનીકરણ વિભાગના નિષ્ઠાવાન પ્રયાસોનો ઉલ્લેખ કરીને રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. આ પંચવટી વિકાસ સંકુલ અનેક રીતે લોકઉપયોગી બની રહેશે. રાજ્યમંત્રીએ ગ્રામજનોને ડૉ.બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતા અને શૈક્ષણિક મૂલ્યોને અનુસરીને પોતાના બાળકોને શિક્ષણ અપાવવા અનુરોધ કર્યો હતો.કચ્છ વન વર્તૂળના વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સમાજને સાથે જોડીને પર્યાવરણનું જતન થાય એવા શુભ આશયથી આ પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેક પ્રસંગોએ આ પરિસર સમાજ ઉપયોગી બનશે એમ જણાવીને વન સંરક્ષકએ સામૂહિક જવાબદારીથી આ પરિસરની સારસંભાળ રાખવા પર ભાર મૂક્યો હતો.રાજ્યમંત્રીએ પંચવટી વિકાસ કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓને પ્રસંશનીય ગણાવી હતી. રાજ્યમંત્રીએ શ્રી.મતિયા દેવ મંદિર ખાતે શીશ નમાવીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પરિસરમાં રાજ્યમંત્રી સહિત મહાનુભાવો અને સામાજિક આગેવાનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન અગ્રણી કાનજીભાઈ મહેશ્વરી,ગામના સરપંચ સરિયાબેન વરચંદ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડાહ્યીબેન મહેશ્વરી,મ્યાઝરભાઈ છાંગા,ખીમજીભાઈ મહેશ્વરી,માવજીભાઈ માતંગ,લાલજીદાદા મતિયા,રેન્જ ફોરેસ્ટ ઓફિસર મનિષા આલ સહિત વન વિભાગના અધિકારીઓ, મતિયા દેવ સમિતિ રતનાલના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










