તા.૧૨.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કલેકટર કચેરી ખાતે આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણી અંતર્ગત વિડિયો કોન્ફરન્સ યોજાઈ
રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલની ઉપસ્થિતિમાં આર.ટી.આઈ. અંગે માર્ગદર્શન અને પરિસંવાદ યોજાયો આર.ટી.આઈ. ઉજવણી સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડિયો કોન્ફરન્સમાં આર.ટી.આઈ. (માહિતી અધિકાર અધિનિયમ) અંગેની કામગીરી, તેની જોગવાઈઓ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કલેક્ટર કચેરીની આઈ.ટી. ટીમ દ્વારા આર.ટી.આઈ. સંબંધિત વિડિયો પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય માહિતી કમિશનર અને આયોગના કાયદા અધિકારીની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી પરિસંવાદ યોજાયો હતો.જેમાં માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલીકરણ, જાહેર સત્તામંડળોની જવાબદારીઓ તથા નાગરિકોને સમયસર અને યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવાના મહત્ત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વિડિયો કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા સાથે અધિકારીઓ તથા કર્મચારીઓને આર.ટી.આઈ. સંબંધિત કામગીરી અંગે જાગૃત અને માર્ગદર્શિત કરવાનો હતો










