રિપોર્ટર

ઈન્દરેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
પરંપરાગત રમતોના સંરક્ષણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા પર ભાર
અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, રમતવીરો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ મહોત્સવમાં વિવિધ દેશોની પરંપરાગત અને સ્વદેશી રમતોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પરંપરાગત રમતો માત્ર સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશોની સાંસ્કૃતિક ઓળખ, ઐતિહાસિક વારસા અને પેઢી દર પેઢી જળવાઈ રહેલી પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આવી રમતો દ્વારા વિવિધ દેશો વચ્ચે પરસ્પર સમજણ, મિત્રતા અને સહયોગની ભાવનાને મજબૂત બનાવી શકાય છે. તેમણે રમતગમતને સર્વસમાવેશક વિકાસ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના માધ્યમ તરીકે વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમતના માળખાને મજબૂત બનાવવા અને ખેલાડીઓને વિવિધ સ્તરે તકો પૂરી પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાલીમ, રમત વિજ્ઞાન, આધુનિક માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓના કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય અનુભવને પ્રોત્સાહન આપીને રમતગમત ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કામગીરી થઈ રહી છે. ખેલો ઇન્ડિયા જેવી પહેલ દ્વારા યુવાનોમાં રમતગમત અને શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધારવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
પરંપરાગત રમતોના મહત્ત્વ અંગે વાત કરતાં માંડવિયાએ જણાવ્યું હતું કે આ રમતો સ્થાનિક જીવનશૈલી, વ્યવસાય, રિવાજો અને તહેવારો સાથે જોડાયેલી છે. તેથી તેમાં સમાજનું પરંપરાગત જ્ઞાન, સાંસ્કૃતિક મૂલ્યો અને ઐતિહાસિક વારસો સમાયેલો છે. મલ્લખંભ શારીરિક સંતુલન અને નિયંત્રણનું ઉદાહરણ છે, જ્યારે કલરિપયટ્ટુ ભારતની પરંપરાગત માર્શલ આર્ટ્સની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે. યોગ દ્વારા ભારતે શારીરિક તંદુરસ્તીની સાથે મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવવાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડ્યો છે.
તેમણે રમતગમત ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા, સમાન તકો પૂરી પાડવા અને તમામ વર્ગોને જોડતી વ્યવસ્થા વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો. પરંપરાગત રમતોનું દસ્તાવેજીકરણ, તેમનું સાંસ્કૃતિક મહત્ત્વ જાળવવું અને નવી પેઢી સુધી આ વારસો પહોંચાડવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ માટે BRICS દેશો વચ્ચે જ્ઞાનની આપ-લે, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને નિયમિત સંવાદને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પરંપરાગત અને સ્વદેશી રમતો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. યોગ, મલ્લખંભ અને અન્ય પરંપરાગત રમતો ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આવા મહોત્સવના આયોજનથી આ રમતોનું સંરક્ષણ અને સંવર્ધન થવાની સાથે વિવિધ દેશોની સંસ્કૃતિને નજીકથી સમજવાની તક મળે છે.
સંઘવીએ જણાવ્યું હતું કે ભારતની રમતગમત પરંપરા પ્રાચીન સમયથી સમૃદ્ધ રહી છે. ઋગ્વેદકાળમાં રથદોડના ઉલ્લેખોથી લઈને ભારતીય મહાકાવ્યોમાં વર્ણવાયેલી ધનુર્વિદ્યા અને મલ્લયુદ્ધની પરંપરાઓ સુધી રમતગમતને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. પરંપરાગત રમતો માત્ર શારીરિક કૌશલ્યનો વિકાસ કરતી નથી, પરંતુ શિસ્ત, નિયમપાલન, સતત અભ્યાસ, ગુરુ પ્રત્યે આદર અને જવાબદારી જેવા જીવનમૂલ્યોનું પણ સંવર્ધન કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રમતગમતની ભાષા વૈશ્વિક છે. ભાષા, વેશભૂષા અને સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં રમતગમત લોકોને એકબીજાની નજીક લાવવાનું કાર્ય કરે છે. ગુજરાત સરકાર જિલ્લા અને તાલુકા સ્તરે રમતગમત સંકુલો વિકસાવીને ગામડાં સુધી આધુનિક રમતગમતની સુવિધાઓ પહોંચાડવા માટે પ્રયાસરત છે. પરંપરાગત રમતોનું જતન કરવું એટલે દેશની સાંસ્કૃતિક ઓળખનું જતન કરવું, તેમ તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ BRICS દેશોને પરંપરાગત રમતોના સંરક્ષણ અને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી. તેમણે આ દિશામાં પાંચ પ્રસ્તાવો રજૂ કર્યા હતા. તેમાં પરંપરાગત રમતોનો બહુભાષી ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવો, શાળા-કોલેજોમાં આવી રમતોને પ્રોત્સાહન આપવું, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય રમત-ફોર્મેટ વિકસાવવાં, સ્થાનિક કારીગરો માટે રોજગારીની તકો ઊભી કરવી અને આ મહોત્સવને નિયમિત આયોજનની પરંપરા બનાવવાનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય રમતગમત આયોજનો અંગે સંઘવીએ અમદાવાદમાં વર્ષ 2029માં યોજાનારી ઇન્ટરનેશનલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્ષ 2036ના ઓલિમ્પિક્સના આયોજન માટે ભારતની દાવેદારીનો પણ ઉલ્લેખ કરતાં રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં ભારત સરકારના રમતગમત વિભાગના સંયુક્ત સચિવ કુણાલે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે પરંપરાગત રમતો વિવિધ દેશોની સાંસ્કૃતિક વિરાસત, સામાજિક પરંપરાઓ અને સામુદાયિક જીવનનું પ્રતિબિંબ છે. આવી રમતોના માધ્યમથી દેશો એકબીજાની સંસ્કૃતિને સમજી શકે છે, અનુભવોની આપ-લે કરી શકે છે અને પરસ્પર સહકારને વધુ મજબૂત બનાવી શકે છે.
આ પ્રસંગે રાજ્યના રમતગમત સચિવ ડૉ. રાહુલ ગુપ્તા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શંભુ હક્કી, ADG ચંચલ શેખર તેમજ BRICS દેશોના પ્રતિનિધિઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ આ મહોત્સવને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક આદાનપ્રદાનનું મંચ પૂરું પાડ્યું હતું.
BRICS દેશોની પરંપરાગત અને સ્વદેશી રમતોનું પ્રદર્શન
અમદાવાદ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ દેશોએ પોતાની પરંપરાગત અને સ્થાનિક રમતો રજૂ કરી હતી. આ રમતો દ્વારા દરેક દેશની સાંસ્કૃતિક ઓળખ, લોકપરંપરાઓ અને ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળી હતી.
ભારત: મલ્લખંભ, યોગાસન અને કલરિપયટ્ટુ
બેલારુસ: ગોરોડકી
બોલિવિયા: લુચા ડી ચોલિટાસ, ટિંકુ, રાયુએલા, ટ્રોમ્પો, કેચીનાસ અને કેરેરા ડી સાયકોસ
બ્રાઝિલ: ઝારાબતાના (સ્વદેશી બ્લોપાઇપ), કોરિડા ડી ટોરસ (લોગ રેસ), બ્રાઝિલિયન પેરા-જિયુ-જિત્સુ અને કેપોઇરા
ચીન: વુશુ, લાયન ડાન્સ અને હેલ્થ કિગોંગ
ઇથિયોપિયા: ઇથિયોપિયન રેસલિંગ (ટેગેલ), ઇથિયોપિયન ગેના (ફીલ્ડ હોકી) અને સેલસ ગેબેટા/18-12/બુબે/શાહે
ઈરાન: ઝુરખાનેહ, હાફ્ટ સાંગ અને ગનીહ
કઝાખસ્તાન: અસિક અતુ, તોગીઝકુમલાક અને કઝાક કુરેસી
રશિયા: ગોરોડકી અને સામ્બો
દક્ષિણ આફ્રિકા: કાગતી અને ઈન્ટોંગા
સંયુક્ત આરબ અમીરાત: અલ તબ્બાહ
આ મહોત્સવ પરંપરાગત અને સ્વદેશી રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા, સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અને વિવિધ દેશો વચ્ચે સહયોગની નવી તકો ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે.










