વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
મશરૂમની ખેતી અને કિચન ગાર્ડનિંગ અંગે ૧૨૦ મહિલાઓને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અપાયું વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન.
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભચાઉ કેન્દ્ર દ્વારા મહિલા સશક્તિકરણની અનોખી પહેલ.
ભચાઉ,તા-૧૩ ઓક્ટોબર : ભચાઉ ખાતે વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા “પ્રાકૃતિક કૃષિ થકી સંતુલિત આહાર” વિષય પર મહિલા તાલીમના બે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં કુલ ૧૨૦ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવાએ સ્વાગત પ્રવચન કરતા પરિવારના સ્વાસ્થ્ય અને પોષણમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ મદદનીશ પ્રાધ્યાપક શ્રીમતી તન્વી પટેલે ઘરઆંગણે ઉપલબ્ધ નાની જગ્યાનો સદુપયોગ કરીને વિવિધ શાકભાજી ઉગાડવા માટે ‘કિચન ગાર્ડનિંગ’ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સહ સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. આર. એમ. જાડેજાએ પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો સમજાવી ઘરઆંગણે તેમજ ખેતરના સેઢા-પાળામાં શાકભાજી અને ફળો ઉગાડવાની પદ્ધતિઓ શિખવાડી હતી. વધુમાં, તેમણે ફૂડ પ્રોસેસિંગ અંતર્ગત ટમેટા, બીટ અને લસણના પાવડરનો ડેમો આપી, સખી મંડળો દ્વારા ગૃહઉદ્યોગ થકી વધારાની આવક કેવી રીતે મેળવી શકાય તેની વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.આ કાર્યક્રમના બીજા સત્રમાં ડૉ. પ્રીતિ એચ. દવે દ્વારા સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી પર સવિસ્તાર માર્ગદર્શન આપતાં, દૈનિક આહારમાં અનાજ, કઠોળ, ફળો અને દૂધ જેવા પોષકતત્વોના યોગ્ય પ્રમાણ વિશે સરળ ઉદાહરણો થકી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. સોનલ જે. વાજાએ મશરૂમના પોષણમૂલ્યો અને તેના ઉત્પાદનની મૂળભૂત પ્રક્રિયા અંગે પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડીને નાના પાયે મશરૂમ ઉત્પાદન દ્વારા ઘરઆંગણે પોષણની સાથે આવકનું નવું સાધન ઊભું કરવાની સંભાવનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરી હતી.આ સત્રમાં મહિલાઓએ રસપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રશ્નો પૂછી પ્રાયોગિક બાબતોની સચોટ સમજ મેળવી હતી. સમગ્ર તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા રાપર એન્ડ ધ્રાંગધ્રા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિ., ફેરટ્રેડ તથા સેવા સંસ્થાના અધિકારીઓ અને પ્રતિનિધિઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો તેમ વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા જણાવાયું છે.











