MORBI:મોરબી LCBની સ્પેશ્યલ ડ્રાઇવ: ભુજના ગુનામાં વોન્ટેડ વડોદરાનો યુવક અને પ્રોહિબિશનના ગુનામાં ફરાર ચોટીલાની મહિલા ઝડપાયા

મોરબી:સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષકની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવ હેઠળ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પોલીસે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

વિગતો મુજબ, ૧થી ૧૫ ઓક્ટોબર દરમિયાન નાસતા ફરતા તેમજ ચાલુ તપાસના વોન્ટેડ આરોપીઓને દબોચી લેવા માટે મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે હ્યુમન સોર્સિસ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી લીધા હતા:
ભુજના ગુનામાં વોન્ટેડ વડોદરાનો શખ્સ પકડાયો: ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ (BNS)ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪) અને ૫૪ હેઠળ નોંધાયેલા ગુના નંબર ૧૫૪૭/૨૦૨૫માં વોન્ટેડ આરોપી અભિષેક અજયભાઈ શર્મા (ઉં.વ. ૨૪, રહે. સમસારા લક્ઝરી એપાર્ટમેન્ટ, છાણી જકાતનાકા, વડોદરા)ને વડોદરાથી ઝડપી પાડી ભુજ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
દારૂના ગુનામાં સંડોવાયેલી ચોટીલાની મહિલા ઝડપાઈ: મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતી ફરતી આરોપી ફરીદાબેન જયંતીભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૦, રહે. ચીલોડા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ને મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડિયા ઓવરબ્રિજ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવી છે.













