WAKANER:વાંકાનેર’તું કોઈ કામ કરતી નથી’ કહી પતિએ લોખંડના પાઈપથી પત્નીને ઢોરમાર માર્યો

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે ઘરકામ ન કરતી હોવાના મહેણાં મારી પરિણીતા પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પતિના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને હાથે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતાં મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, નવા વઘાસીયા ગામે રહેતાં ૪૪ વર્ષીય અનીતાબેન અશોકભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૦ ઓક્ટોબરના રોજ રાત્રે તેમના પતિ અશોકભાઈ ઘરે આવ્યા હતા. તેમણે ‘તું આખો દિવસ બેઠી રહે છે અને કોઈ કામ કરતી નથી’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો અને ઘર છોડીને જતી રહેવા દબાણ કર્યું હતું. આ દરમિયાન સાસુ સોમીબેને પણ પરિણીતાને ગાળો ભાંડી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું.બોલાચાલી ઉગ્ર બનતાં આવેશમાં આવેલા પતિ અશોકભાઈએ લોખંડનો પાઈપ લઈ અનીતાબેન પર હુમલો કરી દીધો હતો. આ મારપીટમાં અનીતાબેનને માથા તેમજ શરીરના ભાગે મૂઢ ઈજાઓ થઈ હતી અને ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. હુમલા બાદ ડરી ગયેલી પરિણીતાએ ગામ બહાર અવાવરું જગ્યાએ આખી રાત વિતાવી હતી અને બીજા દિવસે જેમતેમ કરીને ટંકારા તાલુકાના નેસડા ગામે પોતાના પિયર પહોંચી હતી.પિયર પહોંચ્યા બાદ ભાઈ મનસુખભાઈએ તાત્કાલિક ૧૦૮ મારફતે તેમને ટંકારા સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવ અંગે અનીતાબેનની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે આરોપી પતિ અશોકભાઈ અમરશીભાઈ સોલંકી અને સાસુ સોમીબેન સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.













