વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદાના શિક્ષક બાબલાભાઈ પટેલ અને તેમના પરિવારે ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ બની માનવતાની મહેક પ્રસરાવી
શિક્ષણની સાથે સેવાના સંસ્કાર પણ સમાજને નવી દિશા આપી શકે છે, તેનું પ્રેરણાદાયક ઉદાહરણ સામરપાડા વર્ગશાળા, કણધા ખાતે જોવા મળ્યું હતું. નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલી કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી બાબલાભાઈ રમણભાઈ પટેલ અને તેમના પરિવારે સામરપાડા વર્ગશાળાના ગરીબ આદિવાસી બાળકોને ટ્રેકશૂટનું વિતરણ કરી સેવાકાર્યની સરાહનીય પહેલ કરી હતી.
શિક્ષક બાબલાભાઈ પટેલ તથા તેમનાં પત્ની સવિતાબેન બી. પટેલ, પુત્ર મનિષભાઈ, પુત્રવધૂ શિવાનીબેન, પુત્રી કલ્પનાબેન તેમજ પૌત્રીઓ સાનવી અને ક્રિસ્ટીએ પરિવાર સાથે મળીને શાળાના તમામ બાળકોને ટ્રેકશૂટ અર્પણ કર્યાં હતાં. પરિવારના આ સેવાભાવી કાર્યથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
આજના સમયમાં શિક્ષણની સાથે સામાજિક જવાબદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે. બાબલાભાઈ પટેલના પરિવારે બાળકોને મદદરૂપ બની સમાજ સમક્ષ સેવાભાવના, સહકાર અને માનવતાનો સુંદર સંદેશ રજૂ કર્યો છે. તેમનું આ કાર્ય અન્ય લોકો અને પરિવારોને પણ જરૂરિયાતમંદ બાળકોની મદદ માટે પ્રેરણા પૂરું પાડે તેવું છે.
શાળાના આચાર્ય નૂતનબેન પટેલ તથા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યોએ શિક્ષક પરિવારના આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગામલોકોએ પણ આ સેવાકાર્યને બિરદાવી શિક્ષક પરિવારની સરાહના કરી હતી.
આ પ્રસંગે ગામના ઉપસરપંચ દીપકભાઈ ચવધરી, પૂર્વ ઉપસરપંચ શુકરભાઈ, SMC અધ્યક્ષ લલિતાબેન, પ્રભુભાઈ સહિત SMCના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપશિક્ષક મહેશભાઈ કે. પટેલે કર્યું હતું. અંતે શાળાનાં આચાર્ય નૂતનબેન પટેલે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
સેવાનો સાચો અર્થ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવવામાં છે. સામરપાડા વર્ગશાળામાં શિક્ષક પરિવાર દ્વારા કરવામાં આવેલું આ કાર્ય બાળકો માટે મદદરૂપ બનવાની સાથે સમાજમાં સેવાભાવના અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવનારું બન્યું છે.








