તા.૧૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
ગરબા સ્થળોએ મહિલાઓને સુરક્ષા અંગે જાગૃત કરી હેલ્પલાઇનની સેવાઓ વિશે અપાઈ જાણકારી
Rajkot: રાજકોટમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા ગરબા સ્થળોએ જઈને મુશ્કેલીના સમયે તાત્કાલિક સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

નવરાત્રિ દરમિયાન મહિલાઓ નિર્ભયતાપૂર્વક ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકે અને તેમને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ૧૮૧ અભયમની ટીમ દ્વારા છેડતી, અયોગ્ય સ્પર્શ, અશોભનીય ટિપ્પણી તેમજ અન્ય કોઈપણ પ્રકારની હેરાનગતિ સામે જાગૃતિ લાવવામાં આવી રહી છે. સાથે જ, આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે ગભરાયા વિના યોગ્ય મદદ મેળવવા અને જરૂરિયાતના સમયે ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે સમજણ આપવામાં આવી રહી છે.

મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાનની જાળવણી માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. નવરાત્રિ જેવા ઉત્સવ દરમિયાન મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે જનજાગૃતિ અને સમયસર સહાયનું વિશેષ મહત્ત્વ છે.
આ પહેલ દ્વારા મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાની સાથે મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સહાય સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જેથી રાજકોટમાં નવરાત્રી મહોત્સવ આનંદ, ઉત્સાહ અને સુરક્ષિત વાતાવરણમાં ઊજવી શકાય.











