ઉત્તરાખંડ સરકારે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં ગુટખા, તમાકુ અને નિકોટીનવાળા પાન મસાલા પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો આદેશ 13 ઓક્ટોબર-2026થી રાજ્યભરમાં તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયો છે.
ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર વિનય શંકર પાંડે દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, હવે ઉત્તરાખંડમાં તમાકુ કે નિકોટીનયુક્ત કોઈપણ ઉત્પાદન બનાવી શકાશે નહીં. આ ઉપરાંત દુકાનદારો આવા ઉત્પાદનોનો સ્ટોક, વિતરણ કે વેચાણ પણ કરી શકશે નહીં. આ નિયમ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં આગામી 1 વર્ષ સુધી ચુસ્તપણે અમલમાં રહેશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લોકોની તંદુરસ્તીની સુરક્ષા માટે લેવાયો છે. ફૂડ સેફ્ટી ઍક્ટ મુજબ, ખાવા-પીવાની કોઈપણ વસ્તુમાં તમાકુ કે નિકોટીનનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. છતાં પણ ગુટખા અને પાન મસાલામાં આ હાનિકારક તત્ત્વોનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ‘ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006’ હેઠળ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં ગુટખા અને તમાકુવાળા પાન મસાલા પર પ્રતિબંધ મૂકાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2013, 2015 અને 2019માં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે તંત્ર સામે સૌથી મોટો પડકાર બજારમાં આવા ઉત્પાદનોની છૂપી ઉપલબ્ધતા રોકવા અને આ આદેશનું સંપૂર્ણ પાલન કરાવવાનો રહેશે.
