માનતાના નામે પશુબલિની ઘટનાઓ અટકાવવા વિજ્ઞાન જાથાની અપીલ

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

હવનાષ્ટમી, નવમી, દશેરા અને પૂનમના દિવસે પશુબલિની ઘટનાઓ અંગે આધાર-પુરાવા સાથે માહિતી આપવા અનુરોધ

 

અમદાવાદ : નવરાત્રિ સહિતના ધાર્મિક પ્રસંગોએ માનતા અને પરંપરાના નામે પશુ-પક્ષીઓની બલિ ચડાવવાની પ્રથાને અટકાવવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા દેશવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં હવનાષ્ટમી, નવમી, દશેરા અને પૂનમના દિવસે પશુબલિની કોઈ ઘટના બનતી હોય તો તેની આધાર-પુરાવા સાથે માહિતી આપવા નાગરિકો અને જીવદયાપ્રેમીઓને અપીલ કરવામાં આવી છે. જાથા દ્વારા માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાની પણ ખાતરી આપવામાં આવી છે.

 

જાથાના રાજ્યના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, સદીઓથી ચાલતી પરંપરા, માન્યતા, રિવાજ અને માનતાના નામે કેટલાક સ્થળોએ જીવતાં પશુ-પક્ષીઓની બલિ ચડાવવાની પ્રથા જોવા મળે છે. આવી પ્રથાઓને કારણે નિર્દોષ પશુ-પક્ષીઓને શારીરિક પીડા અને જીવનું જોખમ વેઠવું પડે છે. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે જનજાગૃતિ સાથે કાયદાકીય જોગવાઈઓ અંગે લોકોમાં સમજ કેળવવી જરૂરી છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૪ના અંધશ્રદ્ધા વિરોધી કાયદા સંબંધિત નવા વિધેયકનો ઉલ્લેખ કરીને જાથા દ્વારા ભ્રમ અને અફવા ફેલાવવા તેમજ ચમત્કારિક સારવારના દાવાઓ સામે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, આવા કિસ્સાઓમાં કાયદાની ચોક્કસ જોગવાઈઓ અને લાગુ પડતી કલમો મુજબ જ કાર્યવાહી થવી જરૂરી છે.

 

જાથાના જણાવ્યા અનુસાર, પશુ-પક્ષીઓની બલિ, તેમને હથિયારથી ઇજા પહોંચાડવી કે તેમની સાથે અમાનવીય વર્તન કરવું એ કાયદાકીય કાર્યવાહીનો વિષય બની શકે છે. પશુઓને ભૂખ્યાં રાખવા, પરિવહન દરમિયાન ત્રાસ આપવો અથવા તેમની સાથે ક્રૂરતા આચરવા જેવી બાબતો સામે પણ લાગુ પડતા કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત, પશુબલિને મંજૂરી આપતા સરકારી પરિપત્રો હોવાના દાવા અંગે પણ જાથાએ સ્પષ્ટતા કરી છે કે આવા દાવાઓની સત્તાવાર સ્તરે ખરાઈ કરવી જરૂરી છે. કોઈપણ દસ્તાવેજ કે પરિપત્રના આધારે કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ મળી જાય છે એવું માની લેવું યોગ્ય નથી.

 

જયંત પંડયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન હવનાષ્ટમી, નવમી, દશેરા અને પૂનમ જેવા પ્રસંગોએ કેટલાક સ્થળોએ માનતાના ભાગરૂપે પશુબલિ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાની માહિતી મળે છે. આવી ઘટનાઓ અંગે નાગરિકો પાસે કોઈ વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તે સરકારી તંત્ર અથવા વિજ્ઞાન જાથાને પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. મળેલી માહિતીની ખરાઈ કર્યા બાદ સંબંધિત તંત્રને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી માટે સહયોગ આપવામાં આવશે.

 

જાથાએ સ્પષ્ટ કર્યું છે કે, અભિયાનનો હેતુ કોઈ ચોક્કસ જ્ઞાતિ, સમાજ કે ધર્મની લાગણી દુભાવવાનો નથી. અંગત રાગદ્વેષને કારણે ખોટી ફરિયાદો થવાની શક્યતા હોવાથી દરેક માહિતીની યોગ્ય તપાસ કરવી જરૂરી છે. પુરાવા વિના કોઈ વ્યક્તિ કે સમાજ સામે આક્ષેપો ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. જાથાના જણાવ્યા અનુસાર, અભિયાનની કામગીરી કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવશે.

 

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પશુબલિના સ્થાને શાકાહારી નૈવેદ્ય અને અન્ય અહિંસક ધાર્મિક વિકલ્પો અપનાવી શકાય છે. કેટલાક સમાજોએ સમયની સાથે પરિવર્તન સ્વીકારી પશુબલિની પ્રથા બંધ કરી છે, જે આવકારદાયક છે. ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી પરંપરાઓમાં માનવતા, કરુણા અને જીવદયાના મૂલ્યોને સ્થાન આપવું જરૂરી છે. માનતાના નામે ભય પેદા કરીને પશુબલિ માટે આગ્રહ રાખવામાં આવતો હોય તો સમાજના આગેવાનો અને સુધારકોએ જાગૃતિ લાવવા આગળ આવવું જોઈએ.

 

આ અભિયાનના ભાગરૂપે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકોમાં જિલ્લા કક્ષાની કાર્યવાહી સમિતિઓ બનાવવામાં આવી છે. તેમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, આહવા, ગોધરા, પંચમહાલ, ભુજ-કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અરવલ્લી, તાપી અને રાજપીપળા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

 

જાથાના રાજુભાઈ યાદવ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપડિયા, ગુલાબસિંહ ચૌહાણ, રોહિત રાજદેવ, સાહિલ રાજદેવ, ભાનુબેન શેઠિયા અને ભક્તિબેન રાજગોર સહિતના સભ્યોને વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતીની ખરાઈ કરીને સંબંધિત તંત્ર સાથે સંકલન સાધવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.

 

વિજ્ઞાન જાથાએ નાગરિકો, જીવદયાપ્રેમીઓ અને જાગૃત સમાજના આગેવાનોને પશુબલિની કોઈ ઘટના અંગે વિશ્વસનીય માહિતી અને ઉપલબ્ધ પુરાવા સાથે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવા અપીલ કરી છે. નિર્દોષ પશુ-પક્ષીઓની પીડા અટકાવવા અને સમાજમાં જીવદયા, કરુણા તથા વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા સૌએ સહયોગ આપવો જોઈએ, એવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો છે.

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો