વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. સ્થાયી સમિતિના ચેરમેનશ્રી મુકેશ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS), નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ગૌરાંગ વસાણી, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરના માળખાગત વિકાસ, નાગરિક સુવિધાઓ, આવાસ યોજનાઓ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, જાહેર પરિવહન અને વહીવટી કામગીરીને લગતા કુલ ૧૯ કામો રજૂ કરવામાં આવ્યા હતા. ચર્ચા-વિચારણા અને સમીક્ષા બાદ તમામ ૧૯ કામોને બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ અને અન્ય માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાનાં કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વોર્ડ નં. ૦૪માં ગોલવાડ પોલીસ ચોકી પાસે વરસાદી પાણીની લાઇન નાખવાની કામગીરી, મહેસૂલતલાવ વિસ્તારમાં નવીન ઇન્ટરલોકિંગ તથા રાઇડિંગ મેડિયન લાઇન નાખવાની કામગીરી અને અન્ય વિસ્તારોમાં રસ્તા તથા નાગરિક સુવિધાઓના વિકાસને લગતાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત વિવિધ સ્થળોએ આવાસ નિર્માણ અને AHP-ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ હેઠળ એજન્સી નક્કી કરવાની પ્રક્રિયાને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ કામો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસને વેગ મળશે.
પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને લગતા કામોને પણ બેઠકમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા જયંતિ અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વિવિધ જોગવાઈઓ હેઠળનાં કામો, શિયાળાની ઋતુ દરમિયાન ગરમ કપડાંના વિતરણ માટે હંગામી સ્ટોલ ફાળવવા, “હર ઘર તિરંગા” યાત્રા તથા “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” અંતર્ગત બેનર, હોર્ડિંગ્સ અને સેલ્ફી પોઇન્ટ બનાવવા અંગેના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થાઓ, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની કામગીરી તથા રસ્તાઓના જાળવણી અને સમારકામને લગતા પ્રસ્તાવો પર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરના વિકાસને અનુરૂપ વિવિધ વહીવટી અને નાણાકીય બાબતોને પણ બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં અન્ય મહત્ત્વપૂર્ણ કામોમાં સને ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબને મંજૂરી, અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારી વાહન ભાડે મેળવવાના દરો નક્કી કરવા, રેલવે સ્ટેશન પૂર્વ ભાગે ઓવરબ્રિજ નીચેના વિસ્તારમાં રેલવે તથા શહેરી બસ પાર્કિંગની વ્યવસ્થા, ગણેશ વિસર્જન માટે જરૂરી વ્યવસ્થાઓ અને શહેરના વિવિધ વિસ્તારોમાં થર્મોપ્લાસ્ટ પેઇન્ટનો ઉપયોગ કરીને રોડ માર્કિંગ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. વોર્ડ નં. ૦૪ અને અન્ય વિસ્તારોમાં ડ્રેનેજ તથા માર્ગ વિકાસનાં કામો ઉપરાંત નાગરિકોને સુવિધાજનક અને સુરક્ષિત માળખું પૂરું પાડવા સંબંધિત પ્રસ્તાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રીતે સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલાં તમામ ૧૯ કામોને બહાલી મળતાં નવસારી મહાનગરપાલિકાના વિકાસલક્ષી આયોજનને વધુ ગતિ મળશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામગીરી આગળ વધશે.









