Rajkot: સેવા સંકલ્પ અભિયાન રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે ૧૪ અને ૧૫ ઓક્ટોબરે ‘રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭’નો પ્રારંભ થશે

તા.૧૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વિજ્ઞાન અને સમાજની થીમ પર રાજકોટમાં જામશે નાટકનો મહાકુંભ: રાજ્ય કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ૩૨૬ નાટકમાંથી વિજેતા બનેલી ટીમો લેશે ભાગ

ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાઈ પત્રકાર પરિષદ

Rajkot: “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ સાથે સંકલિત ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ ૨૦૨૬-૨૭’ની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે તારીખ ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે, જેની માહિતી આપવા ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, (આઈ.એ.એસ.)ના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આ મહોત્સવનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવાનો તેમજ પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો છે. આ સ્પર્ધામાં વિજેતા થનારી ગુજરાતની ટીમ રાષ્ટ્રીય સ્તરે પણ ક્રમાંક મેળવે તે માટે નિષ્ણાતોની ટીમ દ્વારા બાળકોને તમામ પ્રકારનું જરૂરી માર્ગદર્શન અપાશ

આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય “વિજ્ઞાન અને સમાજ” નિર્ધારિત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: મિત્ર, સાધન કે ખતરો?, ઇલેક્ટ્રિક વાહનો : આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ, મહાસાગરોનું પુનર્જીવન – પેઢીઓનું સંરક્ષણ સહિતના વિષયો પર નાટ્ય-કૃતિઓ રજૂ કરશે

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૪ સપ્ટેમ્બરથી ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રોના સક્રિય સંકલનથી ૩૨૬ જેટલા નાટકો રજૂ થયા હતા. જેમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા શાળાઓની ટીમો રાજકોટ ખાતે રાજ્ય કક્ષાના મંચ પર સ્પર્ધા કરશે.

રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને સચિવશ્રી પી. ભારતી, IASના વડપણ હેઠળ ગુજકોસ્ટ કાર્યરત છે. આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓમાં નાટ્યલેખન, દિગ્દર્શન અને સ્ટેજ પ્રેઝન્ટેશન કૌશલ્ય વિકસે તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમોમાં પ્રથમ વિજેતા નાટકને રૂ. ૫૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૩૧,૦૦૦ તથા તૃતીય વિજેતાને રૂ. ૨૧,૦૦૦ રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ માટે પ્રત્યેક કેટેગરીમાં રૂ.૧૦,૦૦૦ના વિશેષ રોકડ પુરસ્કારો આપવામાં આવશે.

રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનનારી ટીમ તા. ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાનાર પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યારબાદ ઝોનલ વિજેતા ટીમ તા. ૬ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલેમાં સહભાગી થશે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, શ્રી સંજય ગોરડિયા, શ્રી વિરલ રાચ્છ અને શ્રી ભરત યાજ્ઞિક ઉપસ્થિત રહેશે. જ્યારે નાટકોના મૂલ્યાંકન માટે શ્રી નયન ભટ્ટ, શ્રી અરવિંદ રાવલ, શ્રી રાજુ યાજ્ઞિક, શ્રી કપિલ દેવ શુક્લ અને શ્રી અખ્તર સૈયદ જેવા અનુભવી તજજ્ઞોની પેનલ નિર્ણાયક તરીકે સેવા આપશે.

આ પત્રકાર પરિષદમાં રિજનલ સાયન્સ સેન્ટર, રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુમિત વ્યાસ, રિજનલ સાયન્સ સેન્ટર,જામનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જ્યોતિન કટેશિયા ઉપસ્થિત રહ્યા હતા. હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા રાજકોટવાસીઓ પણ ખાસ ઉપસ્થિત રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

 

(( બોક્સ મેટર ))

રાજ્યકક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનો તા. ૧૪ ઓક્ટોબરે સવારે ૮:૩૦ કલાકે પ્રારંભ થશે. પ્રથમ દિવસે સવારે રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને પોરબંદર જિલ્લાની ટીમો બપોરે ૧:૦૦ વાગ્યા સુધી પોતાની વિજ્ઞાન આધારિત નાટ્યકૃતિઓ રજૂ કરશે. ત્યારબાદ ભોજન વિરામ બાદ ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, પાટણ અને વડોદરા જિલ્લાની ટીમો પોતાની કૃતિઓ રજૂ કરશે. ફેસ્ટિવલના બીજા દિવસે તા. ૧૫ ઓક્ટોબરે સવારે ૮:૩૦ કલાકથી ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરત, દાહોદ, તાપી અને નવસારી જિલ્લાની ટીમો દ્વારા વિજ્ઞાનના વિવિધ વિષયોને નાટ્યરૂપે રજૂ કરવામાં આવશે.

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો