*ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આંદોલનનો સુખદ અંત: રાજ્ય સરકાર સાથેની સફળ બેઠક બાદ આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચાયું*
*****************
*ગાંધીનગર ખાતે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ*
*****************
*સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે અત્યંત ઉદાર અભિગમ દાખવ્યો: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

*પ્રજાહિત અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી: રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડા*
*રાજ્ય સરકાર તરફથી મળેલી સકારાત્મક ખાતરી બાદ આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરતા મહામંડળના પ્રમુખ શ્રી જામસંગભાઈ પરમાર*
*****************
નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો અંગે ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો પણ અંતે સુખદ ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ના પ્રમુખ શ્રી જામસંગભાઈ પરમાર સહિત પ્રતિનિધિમંડળ વચ્ચે સાનુકૂળ વાતાવરણમાં દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.
આ સફળ બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે અત્યંત ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવ્યો છે. સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે.
મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રજાના વ્યાપક હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી છે. સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ દાખવીને આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર તરફથી મળેલી સકારાત્મક ખાતરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી જામસંગભાઈ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકાર સાથેની બેઠકમાં અમારી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી છે અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપવામાં આવી છે. આથી, અમે આંદોલન મોકૂફ રાખીએ છીએ અને મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ તથા મહેસૂલ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
*****************
regards
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,
8758659878
bhogayatabharat@gmail.com









