તારીખ ૧૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાલત્રા ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ગામના ખેડૂતનાં વાડા પાછળ બાંધેલા વાછરડા ઉપર દીપડાએ એકાએક હુમલો કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના કાલંત્રા ગામે રાત્રિના અંધકારમાં ગામના રહેણાંક વિસ્તાર નજીક ઘૂસી આવેલા દીપડાએ બાંધેલા પશુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. કાલંત્રા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારના વાડામાં બાંધેલા વાછરડા પર દીપડાએ અચાનક તરાપ મારી ગળું દબોચવાનો પ્રયાસ કર્યો હતો. અને આ સમગ્ર હુમલો સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટના બાદ હવે દીપડો ગામની આસપાસના ખેતરો, કોતર અને સીમ વિસ્તારમાં પણ સતત આંટાફેરા કરતો નજરે પડી રહ્યો છે. ખેતરોમાં દીપડાના પગના નિશાન અને રાત્રિ દરમિયાન તેની હાજરીની આશંકાથી ખેડૂતો ખેતરે જતાં પણ થથરી રહ્યા છે.વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, મોડી રાત્રે એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ આવી ચડ્યો હતો. ત્યાં બાંધેલા વાછરડા પર દીપડાએ અચાનક હુમલો કરી તેને દબોચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાછરડા નો બૂમબરાડા નો અવાજ થતાં અથવા આસપાસની હલચલ જોઈને દીપડો ત્યાંથી અંધારામાં નાસી છૂટ્યો હતો. અવાજ સાંભળીને ઘર અને આસપાસના ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા અને સ્થિતિ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ગામમાં ખુલ્લેઆમ ફરતા દીપડાના કારણે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. રાત્રિના સમયે ખેતરે જવું કે ઘર બહાર નીકળવું પણ જોખમી બન્યું છે.વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવી માનવભક્ષી કે હિંસક બની રહેલા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા ઉગ્ર માંગ ઉઠી છે.











