Rajkot: નાયબ મુખ્યમંત્રીશ્રીએ શાપરમાં નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ કર્યું

તા.૧૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ભૂમાફિયાઓ અને વ્યાજખોરોના શિકાર બનેલા ખેડૂતોને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પુન: મળ્યો જમીનનો હક : ૩૫ ખેડૂતોને ૫૦૦ વિઘાથી વધુ જમીનના કરોડોના દસ્તાવેજો પરત સોંપાય

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી :

વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સામે ‘આરપારની લડાઈ’નો રાજ્ય સરકારનો સંકલ્પ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો

સાવચેતી એ જ સુરક્ષા- કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા ૧૦૦ વાર વિચારો

રાજકોટ ગ્રામ્ય પોલીસને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત : રાજકોટ સમગ્ર રાજ્યમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ જિલ્લો બન્યો

‘પ્રેરણા નવા જીવનની’ પહેલના અહેવાલનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન

Rajkot: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટના શાપર ખાતે વિભાગીય પોલીસ અધિકારીશ્રીની કચેરીનું લોકાર્પણ તેમજ ભૂમાફિયાઓ પાસેથી મુક્ત કરાવાયેલી ૫૦૦થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રજાભિમુખ કામગીરી, ઝડપી ફરિયાદ નિવારણ, રેકોર્ડ મેનેજમેન્ટ, ડિજિટાઈઝેશન અને પારદર્શક વહીવટની નોંધ લઈને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લા પોલીસને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે ‘આરપારની લડાઈ’ લડવાનો ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજકોટ પોલીસે ૩૫ ખેડૂતોની અંદાજે ૧૦૦ કરોડથી વધુ રકમની જમીન પરત અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે.

સાથે જ, નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી હતી કે, વ્યાજખોરોને હંમેશા પોલીસ અને કાયદાનો ભય રહેવો જોઈએ. ખેડૂત પોતાની આખી જિંદગી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે. મુશ્કેલીના સમયે વ્યાજે લીધેલા નાણાં સામે વિશ્વાસઘાત કરીને વ્યાજખોરો અને ભૂમાફિયાઓ ખેડૂતોની જીવનભરની મૂડી સમાન જમીનો કબ્જે કરી લેતા હોય છે. ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને વ્યાજખોરોના વિષચક્ર સામે સાવચેત રહેવું જોઈએ. દસ્તાવેજોમાં જો સહી કરતી વખતે સાવચેતી ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ન્યાય અપાવવો ખૂબ મુશ્કેલ બને છે. આ પ્રસંગે તેમણે પોલીસમિત્રો અને તેમના પરિવારોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

શાપર, પડવલા, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સૌજન્યથી નિર્માણ પામેલી વિભાગીય પોલીસ અધિકારીશ્રી, રાજકોટ ગ્રામ્ય ડિવિઝન કચેરી કાર્યરત થવાથી શાપર-વેરાવળ સહિતના મહત્વના ઔદ્યોગિક તેમજ ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક નાગરિકોને જરૂર પડ્યે પોલીસની સેવાઓ વધુ ઝડપથી મળી રહેશે. આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઈશ્વરની આરાધના સાથે દીપ પ્રજ્વલ્લિત કરી નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કર્યું હતું.

આ અવસરે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના સહયોગથી ભૂમાફિયાઓ તેમજ વ્યાજખોરો સામે ચલાવાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે, દગાબાજી અને છેતરપિંડીથી પડાવી લેવાયેલી ૩૫ જેટલા ખેડૂતોની અંદાજે રૂ.૧૦૦ કરોડની ૫૦૦થી વધુ વિઘા જમીનના ૫૫ દસ્તાવેજો મૂળ માલિક ખેડૂતોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ તંત્રને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ સ્ટેશનો અને શાખાઓ માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવનારો રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે.

આ ઉપરાંત, લોકોમાં આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો દૂર કરી ૭૦૦થી વધુ લોકોને કાઉન્સેલિંગ દ્વારા નવું જીવન પૂરું પાડનારી રાજકોટ ગ્રામ્ય પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા- નવા જીવનની’ અહેવાલનું પણ આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી હતી તેમજ આભારવિધિ મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી ડિવિઝન શ્રી સીમરન ભારદ્વાજે કરી હતી. આ તકે જમીન પરત પ્રાપ્ત કરનારા ખેડૂતોએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો વિશેષ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણીશ્રી દિનેશભાઈ બાંભણિયાએ રાજકોટ જિલ્લા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વે શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના પદાધિકારીશ્રીઓ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લપ્ત રાય, જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો સહભાગી થયા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો