MORBI:મોરબીના લખધીરવાસ ચોકમાં ‘ધી બેંગાલ દુર્ગાપૂજા ગ્રુપ’ દ્વાર દુર્ગાપૂજા મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબી:ભારતની ભવ્ય સાંસ્કૃતિક ધરોહર અને બંગાળી પરંપરાના અનોખા સમન્વય સમાન ‘દુર્ગાપૂજા મહોત્સવ’નું મોરબીના લખધીરવાસ ચોક ખાતે ‘ધી બેંગાલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી’ દ્વારા ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પાંચમા નોરતાથી શરૂ થઈને વિજયાદશમી સુધી ચાલનારા આ મહોત્સવની ઉજવણી છેલ્લા નવ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્સાહભેર કરવામાં આવશે.

તા. ૧૫ ઓક્ટોબરના રોજ રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા દરમિયાન આર.એસ.એસ. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયાના વરદ હસ્તે રિબન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી દુર્ગાપૂજા પંડાલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના અગ્રણીઓ તથા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ફેસ્ટિવલની મોરબીમાં ઝાંખી – દુર્ગાપૂજા એ માત્ર કોઈ એક પ્રાંત પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર જનસમુદાયને એકતાના તાંતણે બાંધતો પર્વ છે, જેને યુનેસ્કો (UNESCO) દ્વારા ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ’ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પંડાલમાં મહિષાસુરમર્દિની મા દુર્ગાની સાથે બુદ્ધિના દેવતા ગણેશજી, બળના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી માતા અને ધન-ઐશ્વર્યના દેવી લક્ષ્મીજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવશે.
મહાઆરતી અને વિસર્જન યાત્રાનો કાર્યક્રમ:દૈનિક મહાઆરતી: મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ૮:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી ભવ્ય મહાઆરતી યોજાશે.
વિસર્જન યાત્રા: વિજયાદશમીના પાવન દિવસે સાંજે ૫:૦૦ કલાકે લખધીરવાસ ચોકથી શોભાયાત્રા સાથે પ્રતિમા વિસર્જન યાત્રા પ્રસ્થાન કરશે.

આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા ‘ધી બેંગાલ દુર્ગાપૂજા ગ્રુપ’ના તમામ સભ્યો અને કમિટી મેમ્બર્સ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. મોહિતભાઈ રાવલની અખબારી યાદી મુજબ મોરબીની ધર્મપ્રેમી જનતાને આ દુર્ગાપૂજા મહોત્સવ અને મહાઆરતીનો દર્શન-લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.














