નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજપીપલા : જુનેદ ખત્રી
આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન અધિક કલેક્ટર એચ. એમ. સોલંકીએ પીપીટીના માધ્યમથી રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસ્તાવિત કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કક્ષાએ રચવામાં આવેલી વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અને આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં આરોગ્ય, સ્વચ્છતા, પીવાના પાણી, ફાયર સેફ્ટી, વીજળી તેમજ ટેબ્લો કમિટી સહિતની વિવિધ સમિતિઓની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત, આરોગ્ય સેવાઓ સહિતની જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે જળવાઈ રહે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ સુચારૂ, સલામત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન અને સુમેળ જાળવીને કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.










