
એક સમય હતો જ્યારે ગામેગામ ફરતા બહુરુપીઓ વિવિધ વેશભૂષા અને અનોખા અભિનયથી લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. ગામની ગલીઓમાં બહુરુપીનો અવાજ સંભળાતાં જ લોકો તેમને જોવા માટે એકઠા થઈ જતા હતા. પરંતુ સમય બદલાયો છે, ટેકનોલોજીનો વિકાસ થયો છે અને મોબાઈલ યુગમાં મનોરંજનનાં અનેક સાધનો ઉપલબ્ધ બન્યાં છે. તેની સીધી અસર હવે વર્ષો જૂની બહુરુપી લોકકલા અને તેની સાથે જોડાયેલા કલાકારોના રોજગાર પર જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં ફરીને લોકોને પોતાની કલા દ્વારા મનોરંજન પૂરું પાડી રહેલા મૂળ બારડોલીના 61 વર્ષીય બહુરુપી કલાકાર દીપક રાવ માણેક રાવ ભોરકર આજે પણ પોતાની પરંપરાગત કલા જીવંત રાખવા પ્રયત્નશીલ છે. દીપકભાઈ જણાવે છે કે, તેમને સમજણ આવી ત્યારથી જ તેઓ બહુરુપી બનીને લોકોને મનોરંજન પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે. એક સમયે લોકોના મનોરંજનનું મુખ્ય સાધન ગણાતી આ કલા આજે બદલાતા સમય સાથે અનેક પડકારોનો સામનો કરી રહી છે. મોબાઈલ અને ડિજિટલ માધ્યમોના વધતા વપરાશને કારણે લોકો ઘરબેઠાં જ મનોરંજન મેળવી રહ્યા છે, જેના પરિણામે બહુરુપીઓની કલા પ્રત્યે લોકોનો પ્રતિસાદ અગાઉની સરખામણીએ ઘટ્યો હોવાનું દીપકભાઈ જણાવે છે. પેઢીઓથી ચાલી આવતી આ પરંપરાને જીવંત રાખવા માટે તેઓ આજે પણ ગામેગામ અને નગરોમાં ફરીને વિવિધ વેશ ધારણ કરી પોતાની કલા રજૂ કરે છે, પરંતુ બદલાતા સમયની સાથે રોજીરોટી મેળવવી મુશ્કેલ બની રહી છે. બહુરુપી કલાકારો માટે આ માત્ર વ્યવસાય નથી, પરંતુ તેમની ઓળખ, જીવનભરની મહેનત અને સાંસ્કૃતિક વારસો છે. આજે જ્યારે મોબાઈલ હાથવગો બન્યો છે, ત્યારે લોકોની વચ્ચે જઈને જીવંત અભિનય દ્વારા મનોરંજન પીરસતી આ લોકકલા ધીમે ધીમે વિસરાતી જાય તેવી ચિંતા ઊભી થઈ છે. ત્યારે સવાલ એ છે કે, આધુનિક મનોરંજનના આ યુગમાં બહુરુપી જેવી પરંપરાગત લોકકલાને જીવંત રાખવા અને તેની સાથે જોડાયેલા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કેવા પ્રયાસો કરવામાં આવશે? કારણ કે બહુરુપી કલા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ આપણી પરંપરા, સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાનો એક અભિન્ન હિસ્સો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










