રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૧૦.૨૦૨૬
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલા એક પરપ્રાંતીય યુવકનું ભદ્રકાલી માતાજીના મંદિર નજીક ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં કરુણ મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના વતની અને હાલ વાઘોડિયા તાલુકાની કોદરવાયા વસાહતમાં રહેતા અનિલભાઈ શંકરભાઈ ભીલ (ઉં.વ. ૩૫) મંગળવારે પોતાના સંબંધી સાથે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ બપોરે આશરે ૧૨.૦૦ વાગ્યાના સુમારે તેઓ ભદ્રકાલી મંદિર નજીકથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક કોઈ કારણોસર અનિલભાઈ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા હતા.ઘટના બનતા જ સાથે રહેલા સંબંધીઓ અને આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. નવરાત્રિના બંદોબસ્તમાં તૈનાત સ્થાનિક પાવાગઢ પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ તેમજ ગોધરા એસડીઆરએફ ટીમને જાણ કરાતાં ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી.હાલોલ ફાયર બ્રિગેડ અને ગોધરા એસડીઆરએફ ના જવાનોએ દોરડાની મદદથી ૪૦૦ ફૂટ ઊંડી ભયાનક ખીણમાં ઊતરીને અંદાજે ૪ થી સાડા ચાર કલાકની કઠિન જહેમત બાદ ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને જીવિત હાલતમાં બહાર કાઢ્યા હતા.ખીણમાંથી બહાર કાઢ્યા બાદ તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, રસ્તામાં જ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગેની જાણ થતાં જ મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પાવાગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.











