રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
શાહપુર પોલીસની SHE ટીમ અને ભયમુક્ત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ખાતે શાહપુર પોલીસ સ્ટેશનની SHE ટીમ અને ભયમુક્ત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ અને મહિલા સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા, તેમને સ્વરક્ષણ અંગે જરૂરી જાણકારી આપવા અને મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.
સેમિનારમાં આંતરરાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન, સ્વરક્ષણ નિષ્ણાત અને પ્રધાનમંત્રી પુરસ્કાર વિજેતા અમનદીપ સિંહ ગોતરા દ્વારા ઉપસ્થિત દીકરીઓને સ્વરક્ષણની વિવિધ ટેકનિક્સની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન રોજિંદા જીવનમાં અચાનક ઊભી થતી જોખમી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો અને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સલામત રીતે બહાર કેવી રીતે નીકળવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અપહરણના પ્રયાસો, છેડતી અને અયોગ્ય સ્પર્શ જેવી પરિસ્થિતિઓમાં સતર્ક રહેવા તથા યોગ્ય રીતે પ્રતિકાર કરવા અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, છરી જેવા ધારદાર હથિયાર અથવા લાકડી જેવા હથિયારથી હુમલાની સ્થિતિમાં પોતાની સુરક્ષા માટે કઈ સાવચેતીઓ રાખવી અને જોખમમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કેવી રીતે કરવો તે અંગે પણ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વરક્ષણની તાલીમની સાથે દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. અયોગ્ય સ્પર્શ અથવા અસુરક્ષિત અનુભવ થાય ત્યારે વિશ્વાસુ વ્યક્તિને જાણ કરવી અને જરૂર પડ્યે મદદ મેળવવી કેટલું મહત્ત્વનું છે તે અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી.
મહિલાઓની સુરક્ષા માટે ઉપલબ્ધ 181 મહિલા હેલ્પલાઇન, બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતો POCSO કાયદો અને સાયબર ક્રાઇમ સંબંધિત મુદ્દાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જાહેર સ્થળો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું, અજાણી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે સતર્કતા રાખવી અને મુશ્કેલીના સમયે યોગ્ય મદદ મેળવવી જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સેમિનાર દ્વારા દીકરીઓને માત્ર શારીરિક સ્વરક્ષણની ટેકનિક્સ શીખવવાનો જ નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવા અને પોતાની સુરક્ષા અંગે જાગૃત બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો મહિલાઓ અને દીકરીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવા તેમજ આત્મવિશ્વાસપૂર્ણ અને નિર્ભય સમાજના નિર્માણમાં ઉપયોગી બની શકે છે.
ભયમુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાતના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓને સશક્ત બનાવવા અને મહિલા સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.











