WAKANER :વાંકાનેરના મેસરીયા ગામે કારની તકરારમાં યુવક પર જીવલેણ હુમલો: તલવાર અને લોખંડના પાઈપ સાથે આવેલા બે શખ્સો સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે વેચેલી કારની લોન અને દારૂના ગુનામાં જપ્ત થયેલી કાર છોડાવવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ તલવાર અને લોખંડના પાઈપ વડે હુમલો કરી અન્ય એક વાહનમાં તોડફોડ કરતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, મેસરીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા અર્શદભાઈ હૈયાતભાઈ વડાવીયા (ઉં.વ. ૨૩)એ પોતાની અર્ટિગા (Ertiga) કાર રાજકોટ ખાતે રહેતા રફીકભાઈ પીપરવાડીયાને વેચાણથી આપી હતી. આ કાર પર લોન ચાલુ હોવાના કારણે તેનું રજિસ્ટ્રેશન ફરિયાદી અર્શદભાઈના નામે જ હતું. દરમિયાન આ ગાડી રાજકોટમાં દારૂના ગુના હેઠળ પોલીસ દ્વારા પકડાઈ ગઈ હતી. ગાડી પોતાના નામે હોવા છતાં ફરિયાદી અર્શદભાઈ તેને મુક્ત કરાવવા (છોડાવવા) ન જતાં સામેવાળા પક્ષે ખાર રાખ્યો હતો.
આ બાબતની અદાવત રાખી આરોપી અમન હુશેનભાઈ પીપરવાડીયા (રહે. રસિકગઢ, તા. વાંકાનેર) સ્વિફ્ટ ડિઝાયર કાર લઈને હાથમાં તલવાર સાથે તેમજ સાકીર હુશેનભાઈ પીપરવાડીયા (રહે. મેસરીયા, તા. વાંકાનેર) સેન્ટ્રો કાર સાથે લોખંડનો પાઈપ લઈને અર્શદભાઈ પર હુમલો કરવા ધસી આવ્યા હતા.
જીવ બચાવવા માટે અર્શદભાઈ ત્યાંથી ભાગીને નજીકમાં રહેલા દોલુભાઈની ક્રેટા (Creta) કારમાં બેસી ગયા હતા. તે દરમિયાન આરોપી સાકીરે લોખંડના પાઈપ વડે ક્રેટા કારના આગળના કાચ પર પ્રહાર કરી ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
આ સમગ્ર મામલે અર્શદભાઈ વડાવીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અમન પીપરવાડીયા અને સાકીર પીપરવાડીયા વિરુદ્ધ ઘાતક હથિયારો વડે હુમલો કરવાનો તથા તોડફોડ કરવાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.













