MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી નટરાજ ફાટક પાસેથી ઝડપાયો

મોરબી:આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા એક આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે હ્યુમન સોર્સિસ, ટેકનિકલ માધ્યમો અને બાતમીદારો મારફતે સઘન તપાસ ચલાવી રહ્યો હતો. આ ડ્રાઇવ દરમિયાન વિવિધ ટીમો બનાવી અલગ-અલગ જિલ્લાઓમાં છુપાયેલા આરોપીઓના આશ્રય સ્થાનો પર વોચ રાખવામાં આવી રહી હતી.
તે દરમિયાન સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી મોરબી વિસ્તારમાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી મોરબી નટરાજ રેલ્વે ફાટક પાસેથી આરોપી દશરથભાઇ અનકભાઇ ખાચર (રહે. નળખંભા, તા. થાન, જિ. સુરેન્દ્રનગર) ને કોર્ડન કરી ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.













