વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડો. નિરવભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી; મુખ્યમંત્રી કાર્યાલયે ઊર્જા અને વન વિભાગને તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો
દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની વધતી ઘટનાઓને પગલે માનવજીવન અને પશુધનની સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડો. નિરવભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી દીપડાની અવરજવર ધરાવતા ગામોમાં સાંજથી સવાર સુધી અવિરત વીજપુરવઠો પૂરો પાડવા સહિતનાં સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.
તાજેતરમાં ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ખુડવેલ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી હોવાના ઉલ્લેખ સાથે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની જરૂરિયાત દર્શાવી છે.
ડો. નિરવભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં લોડ સેટિંગ અથવા અન્ય તકનીકી કારણોસર દરરોજ આશરે ૨૫થી ૩૦ મિનિટનો વીજકાપ કરવામાં આવે છે. સાંજના સમયે અંધારું થવાથી દીપડાની હાજરી ઓળખવી મુશ્કેલ બને છે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનને ખુલ્લી જગ્યામાં અથવા કોઢમાં રાખવામાં આવતું હોવાથી પશુપાલકો માટે જોખમ ઊભું થાય છે. ઉપરાંત, સાંજના સમયે લોકોની અવરજવર વધુ રહેતી હોવાથી માનવજીવનની સુરક્ષા માટે પણ સાવચેતી જરૂરી છે.
આથી દીપડાની અવરજવરવાળા ગામોમાં સાંજથી સવાર સુધી વીજપુરવઠો ચાલુ રાખવા DGVCLને જરૂરી સૂચના આપવા અને તકનીકી કારણોસર વીજકાપ અનિવાર્ય હોય તો તે દિવસના અજવાળામાં કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વીજ કંપની, વન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સંયુક્ત રીતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સુરક્ષાની સ્થિતિનો અહેવાલ તૈયાર કરે, જોખમી વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધારે, જનજાગૃતિ ફેલાવે અને ઇમરજન્સી હેલ્પલાઇનની વ્યવસ્થા કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. પશુપાલકોને પશુધનના રક્ષણ માટે માર્ગદર્શન અને પ્રકાશની વ્યવસ્થા માટે સહાય આપવા પણ માંગ કરાઈ છે.
આ રજૂઆતને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રીશ્રીના એડિશનલ કલેક્ટર દ્વારા ઊર્જા વિભાગ અને વન વિભાગના ઉચ્ચ સચિવોને આ બાબતે તાત્કાલિક યોગ્ય ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા તેમજ અરજદારને જાણ કરવા લેખિત આદેશ જારી કરવામાં આવ્યો છે.
હવે સંબંધિત વિભાગો દ્વારા આ મામલે કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર છે. ગ્રામજનોને આશા છે કે સરકારના સંકલિત પ્રયાસોથી દીપડાના હુમલાનું જોખમ ઘટાડવા અને માનવજીવન તથા પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.










