છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં નર્મદા કેનાલમાં ડૂબવાની ઘટના બને ત્યારે સ્થાનિક તરવૈયાઓ પોતાનો જીવ જોખમમાં મૂકી શોધખોળ અને બચાવ કામગીરી માટે આગળ આવે છે. જોકે, પૂરતાં સાધનોના અભાવે આ તરવૈયાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે બોડેલી નર્મદા કેનાલમાં યુવક ડૂબી જવાની ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ ટાયરની ટ્યુબના સહારે કેનાલમાં ઉતરી શોધખોળ કરતા જોવા મળ્યા હતા. એક તરફ કેનાલમાં પાણીનો પ્રવાહ અને ઊંડાઈ, તો બીજી તરફ સુરક્ષાનાં જરૂરી સાધનોનો અભાવ.
આવી સ્થિતિમાં બચાવ કામગીરી કરતા તરવૈયાઓની સુરક્ષા અને તેમની જવાબદારીના પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે સવાલ એ છે કે તંત્ર દ્વારા આ સ્થાનિક તરવૈયાઓને જરૂરી સાધનો ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે?
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાંથી સામે આવેલાં આ દૃશ્યો સ્થાનિક સ્તરે બચાવ કામગીરી માટે જરૂરી સાધનોની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા કરે છે.
બોડેલીની નર્મદા કેનાલમાં કોઈ વ્યક્તિ ડૂબી જવાની ઘટના બને ત્યારે સ્થાનિક તરવૈયાઓ શોધખોળ અને બચાવ કામગીરી માટે આગળ આવે છે. પરંતુ પૂરતાં સુરક્ષા સાધનોના અભાવે તેમને જોખમ વચ્ચે કામગીરી કરવાની ફરજ પડતી હોવાની સ્થિતિ સામે આવી રહી છે.
આજે કેનાલમાં એક યુવક ડૂબી જવાની ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તરવૈયાઓ ટાયરની ટ્યુબના સહારે કેનાલમાં ઉતરી શોધખોળ કરતા જોવા મળ્યા હતા. નાવડી સહિતનાં જરૂરી સાધનોની અછત અથવા ઉપલબ્ધ સાધનોની જર્જરિત સ્થિતિને કારણે કામગીરીમાં મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત પણ સામે આવી રહી છે.
કેનાલમાં પાણીની ઊંડાઈ અને પ્રવાહ વચ્ચે શોધખોળ કરવી પડકારજનક હોય છે. આવી પરિસ્થિતિમાં લાઇફ જેકેટ, સુરક્ષિત નાવડી, મજબૂત દોરડાં અને અન્ય જરૂરી બચાવ સાધનો ઉપલબ્ધ હોવા અત્યંત જરૂરી છે. સાધનોના અભાવે બચાવ કામગીરીમાં જોડાયેલા તરવૈયાઓના જીવ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.
અહીં સવાલ એ છે કે આપત્તિના સમયે લોકોના જીવ બચાવવા આગળ આવતા આ સ્થાનિક તરવૈયાઓની સુરક્ષા માટે જવાબદાર તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે?
સ્થાનિક સ્તરે નર્મદા કેનાલમાં બચાવ કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા, તાલીમબદ્ધ બચાવ વ્યવસ્થા ઊભી કરવા અને તરવૈયાઓને સુરક્ષિત સાધનો પૂરા પાડવાની માગ ઊઠી રહી છે.
આ ઉપરાંત, બચાવ કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના બને તો અસરગ્રસ્ત તરવૈયા અથવા તેમના પરિવારને નિયમો મુજબ સહાય કે વળતર મળી શકે તેવી વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા કરવાની જરૂર છે.
હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તરવૈયાઓની સુરક્ષા અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સંબંધિત તંત્ર ક્યારે જરૂરી પગલાં ભરે છે.